સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કેદીઓની મુલાકાત માટે આવતા સગા-સંબંધીઓ અને પરિચિતો પાસેથી નિયમ વિરુદ્ધ લાંચ ઉઘરાવવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. જેલમાં બંધ કેદીઓને મળવા માટે કાયદેસરની પ્રક્રિયા મુજબ નોંધણી અથવા મુલાકાતી ફોર્મ ભરવું અનિવાર્ય હોય છે. જો કે, જેલના મુલાકાતી રૂમમાં કેટલાક તત્વો દ્વારા આ સરકારી પ્રક્રિયા પૂરી કર્યા વિના જ સીધી મુલાકાત કરાવી આપવાનો કારસો રચવામાં આવ્યો હતો.

આ ગેરકાયદેસર સવલતના બદલામાં મુલાકાતીઓ પાસેથી વ્યક્તિ દીઠ રૂ. 500 થી રૂ. 1000 જેટલી રકમની ખુલ્લેઆમ લાંચ માંગવામાં આવતી હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી હતી. સામાન્ય નાગરિકોને મુશ્કેલીમાંથી બચાવવાના બહાને નાણાં પડાવવાની આ કુપ્રથાની ચોક્કસ માહિતી એન્ટી કરપ્શન બ્યુરો સુધી પહોંચી હતી.

આ ભ્રષ્ટાચારના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી.ધોબી અને તેમની ટીમ દ્વારા એક વ્યુહાત્મક પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. આ કૌભાંડની સત્યતા ચકાસવા માટે એસીબીએ એક જાગૃત નાગરિકનો સંપર્ક કરી તેમને ‘ડીકોયર’ તરીકે તૈયાર કર્યા હતા.

સરકારી પ્રક્રિયાનો ભંગ કરીને નાણાંની માંગણી કરતા તત્વોને રંગેહાથ ઝડપવા માટે લાજપોર મધ્યસ્થ જેલના મુલાકાતી રૂમ ખાતે જ એક આયોજનબદ્ધ ડીકોય છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેથી ગુનેગારને છટકવાનો કોઈ મોકો ન મળે.

ગોઠવવામાં આવેલા છટકા દરમિયાન જેલના મુલાકાતી રૂમમાં હાજર આરોપી પ્રતિક કૈલાશ સસાએ એસીબીના ડીકોયર તરીકે ગયેલા જાગૃત નાગરિકનો સંપર્ક કર્યો હતો. આરોપીએ ફોર્મ ભર્યા વિના જ અંદર જવા દેવાના અવેજ પેટે હાથથી ઈશારો કરીને રૂ. 500ની લાંચની માંગણી કરી હતી. જેવી ડીકોયરે તેને રૂ. 500ની ચલણી નોટ આપી, કે તુરંત જ વોચમાં ઉભેલી એસીબીની ટીમે ત્રાટકીને આરોપી પ્રતિક સસાનેને લાંચની રકમ સાથે રંગેહાથ પકડી પાડ્યો હતો. એસીબીએ આરોપી પાસેથી લાંચ પેટે સ્વીકારેલા પૂરેપૂરા રૂ. 500 રિકવર કરીને કાયદેસરની અટકાયત કરી ગુનો નોંધ્યો છે.