ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સુરત શહેરના જહાંજીરપુરા વિસ્તાર સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ભગવાન માટે વૃંદાવનમાં રૂ. 3 લાખના ખર્ચે તૈયાર થયેલા વાઘા સુરત આવી પહોચ્યા છે.

આગામી ૧૬ જુલાઈ, ગુરુવારના રોજ સુરતમાં ઇસ્કોન મંદિર-જહાંજીરપુરા દ્વારા 28મી ભવ્ય રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની કેમ આ રથયાત્રાના આયોજનમાં આ વખતે પણ ભગવાન માટે વાઘા વૃંદાવનથી તૈયાર કરવામાં આવ્યા છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા ખાસ વાદળી રંગના અત્યંત મનમોહક વસ્ત્રો ધારણ કરશે. આ આખો પોશાક પ્યોર સિલ્ક શુદ્ધ રેશમ કાપડમાંથી બનાવવામાં આવ્યો છે. કાપડ પર સોનેરી રંગની ઝીણી જરીનું નકશીકામ ખૂબ જ ઝીણવટપૂર્વક કરવામાં આવ્યું છે, જે ભગવાનના દિવ્ય સ્વરૂપની શોભા વધારશે. શ્રી કૃષ્ણની પવિત્ર નગરી વૃંદાવનથી ખાસ ઓર્ડર આપીને તૈયાર કરાયેલા આ દિવ્ય વસ્ત્રો પાછળ અંદાજે રૂ. ૩ લાખનો ખર્ચ થયો છે. વૃંદાવનના 15 જેટલા કુશળ કારીગરોએ સતત દોઢ મહિના સુધી રાત-દિવસ એક કરીને આ વસ્ત્રો તૈયાર કર્યા છે. કાપડની પસંદગીથી લઈને તેના પર કરવામાં આવેલી સજાવટ ભગવાનની શાહી પરંપરાને અનુરૂપ છે, ત્યારે આ દિવ્ય વાઘા ભગવાન ધારણ કરશે, જેઓના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવશે.