ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં વધુ એક વખત વન્ય પ્રાણીના આતંકથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગરજીયા ગામે એક આધેડ માલધારી પર સિંહ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગરજીયા ગામે રહેતા કાળુ બોઘાભાઈ પરમાર નામના આધેડ જ્યારે પોતાના માલઢોરને ઘાસચારો આપવા માટે ગયા હતા, તે સમયે અચાનક સિંહે તેમના પર હુમલો કરી દીધો હતો. સિંહે કરેલા આ હિંસક હુમલામાં કાળુભાઈને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી છે. હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં માલધારીને તાત્કાલિક પ્રથમ પાલીતાણાની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તેમની તબિયત વધુ ગંભીર જણાતા, વધુ સારવાર અર્થે તેમને ભાવનગરની સર ટી. સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. પાલીતાણા પંથકમાં અવારનવાર વન્ય પ્રાણીઓ દ્વારા સ્થાનિક લોકો પર હુમલાની ઘટનાઓ સામે આવતી રહે છે. આ તાજી ઘટનાને પગલે ગરજીયા ગામ સહિત આજુબાજુના વિસ્તારના ગ્રામજનોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોની હવે એક જ માંગ છે કે વન વિભાગ વહેલી તકે જાગે અને આ વન્ય પ્રાણીઓને માનવ વસ્તીવાળા ગામોથી દૂર ખસેડે, જેથી કોઈ મોટી જાનહાનિ થતી અટકાવી શકાય.