ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી
અંકલેશ્વરમાં પાડવામાં આવ્યા દરોડા
શંકાસ્પદ કેમિકલ પાઉડરનો જથ્થો ઝડપાયો
2 આરોપીઓની ધરપકડ
રૂ.70 લાખનો મુદ્દામાલ જપ્ત
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ એશિયન પેઇન્ટ ચોકડી નજીકના જીવનદીપ કોમ્પલેક્ષમાંથી મોન્ટેલું કાસ્ટ સોડિયમ પાઉડરના શંકાસ્પદ જથ્થા સાથે બે ઇસમોને 70.40 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ એશિયન પેઇન્ટ ચોકડી નજીકના જીવનદીપ કોમ્પલેક્ષના ત્રીજા માળે દુકાન નંબર-ટી-18માં શંકાસ્પદ પાઉડરનો જથ્થો પડેલ છે.જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીના પી.એસ.આઈ.એ.વી.શિયાળીયા સહિત સ્ટાફ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં.પોલીસે દુકાનમાં રહેલ આઠ નંગ દ્રમમાંથી 200 કિલો મોન્ટેલું કાસ્ટ સોડિયમ પાઉડરનો જથ્થો ઝડપી પાડ્યો હતો.આ પાઉડર અસ્થમાની દવા બનાવવા માટે ઉપયોગમાં લેવાતો હોવાનું બહાર આવ્યું છે.
પોલીસે 70 લાખનો પાઉડર અને ચાર મોબાઈલ ફોન મળી કુલ 70.40 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને દિવા રોડ ઉપર આવેલ મંગલમુર્તિ સોસાયટીમાં રહેતો જેમિશ અશોક મોદી અને ધૃવિક મિતેષકુમાર મોદીની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી આ પાઉડર અંગે પૂછપરછ કરતા આ જથ્થો તેઓનો મિત્ર અનુજ જયસ્વાલ મૂકી ગયો હોની કબૂલાત કરી હતી.બન્ને ઈસમોએ આ જથ્થો ચોરી અથવા કોઈ ગુનાઇત કાવતરાના ભાગરૂપે મેળવ્યો હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
