ભરૂચ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ આજે સફળ ટ્રેપ ગોઠવી અંકલેશ્વર અને પાનોલી પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા ત્રણ પોલીસકર્મીઓને રૂ. 1 લાખની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધ ધાંધલ, લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ સાગર ચાવડા અને આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ પરમારનો સમાવેશ થાય છે. આ મામલામાં ફરિયાદી વિરુદ્ધ પાનોલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.

જામીન પર મુક્ત થયા બાદ ફરિયાદી પોતાનો મોબાઇલ ફોન પરત લેવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તે સમયે આરોપીઓએ મોબાઇલ પરત આપવા બદલ રૂ. 3 લાખની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ આટલી મોટી રકમ એકસાથે ચૂકવવામાં અસમર્થતા દર્શાવતા આરોપીઓએ રૂ. 1-1 લાખના ત્રણ હપ્તામાં રકમ ચૂકવવાનું કહ્યું હતું.ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે આજે પાનોલી પોલીસ સ્ટેશન સામે આવેલા કન્ટેનરમાં આવેલી “ડી” સ્ટાફની ચેમ્બરમાં ટ્રેપ ગોઠવવામાં આવી હતી. ટ્રેપ દરમિયાન આરોપીઓ 

લાંચની રકમ સ્વીકારતા ઝડપાઇ ગયા હતા.સમગ્ર કામગીરીનું સુપરવિઝન ઇન્ચાર્જ મદદનીશ નિયામક એ. એન. પ્રજાપતિ અને ઇન્ચાર્જ નાયબ નિયામક આર. આર. ચૌધરીએ સંભાળ્યું હતું.