વિદેશ મંત્રાલય (MEA) એ હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર થયેલા હુમલાઓની સખત નિંદા કરી છે. આ ઘટનામાં એક ભારતીય નાગરિકનું મૃત્યુ થયું હતું, અને 10 અન્ય ઘાયલ થયા હતા. ભારતે ઈરાનના ડેપ્યુટી ચીફ ઓફ મિશનને સમન્સ પાઠવીને વિરોધ નોંધાવ્યો હતો, અને પ્રદેશમાં શાંતિ માટે અપીલ કરી હતી.

મંગળવારે જારી કરાયેલા એક નિવેદનમાં, MEA એ 2 જહાજો – MT અલ બાહિયાહ અને MT મોમ્બાસા પર થયેલા હુમલાઓ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી, જ્યારે તેઓ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહ્યા હતા. મંત્રાલયે જણાવ્યું હતું કે, “બંને જહાજોમાં કુલ 46 ક્રૂ સભ્યોમાંથી 30 ભારતીય ખલાસીઓ હતા. 

MT અલ બાહિયાહમાં સવાર 12 ભારતીય નાગરિકોમાંથી, એકનું દુઃખદ મૃત્યુ થયું હતું અને બીજો ઘાયલ થયો હતો, જ્યારે MT મોમ્બાસામાં સવાર 18 ભારતીય નાગરિકોમાંથી 9 ઘાયલ થયા હતા. MEA એ પશ્ચિમ એશિયામાં ફરી શરૂ થયેલા સંઘર્ષ અંગે પોતાની ઊંડી ચિંતાનો પુનરોચ્ચાર કરતા કહ્યું, “અમે પશ્ચિમ એશિયાઈ ક્ષેત્રમાં હુમલાઓ ફરી શરૂ થવા અને વધતા તણાવ પર અમારી ઊંડી ચિંતાનો પુનરોચ્ચાર કરીએ છીએ અને હિંસા તાત્કાલિક બંધ કરવા અને શાંતિના હિતમાં સંવાદ અને રાજદ્વારી માર્ગ અપનાવવા હાકલ કરીએ છીએ.

 મંત્રાલયે ઉમેર્યું કે ઈરાની દૂતાવાસના ડેપ્યુટી ચીફ ઓફ મિશનને બોલાવવામાં આવ્યા છે, અને તેમની સમક્ષ આકરો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. MEA એ જણાવ્યું હતું કે UAEમાં ભારતના મિશન અને પોસ્ટ્સ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને અસરગ્રસ્ત ભારતીય ખલાસીઓને શક્ય તમામ સહાય સુનિશ્ચિત કરવા માટે UAE અધિકારીઓ સાથે સંપર્કમાં છે.