ભરૂચમાં વસતા વિશ્વકર્મા વંશજ સમાજોની એકતા અને આસ્થાના કેન્દ્ર ઈવા વેજલપુર વિસ્તાર સ્થિત બહુચર માતાજીના મંદિરે અમાસના પાવન અવસરે મહાઆરતીમાં ભાવિકોની ભીડ જામી હતી.
નિજ જેઠ મહિનાની અમાસના પાવન અવસરે ભરૂચના વેજલપુર વિસ્તાર સ્થિત બહુચર માતાજીના મંદિર ખાતે શ્રી વિશ્વકર્મા વંશજ સમાજના સંયુક્ત ઉપક્રમે શ્રી વિશ્વકર્મા ભગવાનની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખારવા-હાંસોટી-માછી સમાજ, લુહાર-પંચાલ સમાજ તથા લુહાર-સુથાર સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.

શ્રદ્ધા અને ભક્તિના માહોલ વચ્ચે ભગવાન વિશ્વકર્માની આરતી ઉતારી સમાજના કલ્યાણ અને સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પૂર્વ કોર્પોરેટર દિનેશ મિસ્ત્રી, સામાજિક આગેવાન ઉમેશ મિસ્ત્રી, નીતિન મિસ્ત્રી સહિત અનેક આગેવાનો તથા સમાજજનો હાજર રહ્યા હતા.
ઉપસ્થિત સૌએ મહા આરતીમાં ભાગ લઈ ધાર્મિક એકતા અને સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો હતો. આગેવાનોના જણાવ્યા મુજબ, આવા ધાર્મિક કાર્યક્રમો માત્ર પૂજા-અર્ચના પૂરતા મર્યાદિત નથી રહેતા, પરંતુ સમાજમાં પરસ્પર એકતા, સાંસ્કૃતિક વારસાનું સંવર્ધન અને નવી પેઢીને પોતાના ઇતિહાસ તથા પરંપરાથી પરિચિત કરવાનું મહત્વનું માધ્યમ પણ બને છે. મહા આરતી બાદ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો.
