જગતના નાથની રથયાત્રાનો થનગનાટ

અંકલેશ્વરમાં 24મી રથયાત્રાનું ભવ્ય આયોજન

સ્વયં ભગવાન ભક્તોનાં દ્વારે પહોંચીને દર્શન આપશે

ભજન મંડળી,સંતો અને રાજકીય અગ્રણીઓ પણ જોડાશે

પોલીસ તંત્ર દ્વારા લોખંડી પોલીસ બંદોબસ્ત ખડકાયો

અંકલેશ્વર શહેરના ભરૂચી નાકા સ્થિત શ્રી જગન્નાથજી મંદિર ખાતેથી તારીખ 16મી જુલાઈ અષાઢી બીજના અવસરે 24મી રથયાત્રાનું ભક્તિરસ ભર્યું આયોજન કરવામાં આવ્યું છે.

અંકલેશ્વર શહેરનાં ભરૂચી  નાકા સ્થિત આવેલ શ્રી જગન્નાથ મંદિરથી ભવ્ય રથયાત્રાનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યું છે.અષાઢી બીજ તારીખ 16મી જુલાઈના રોજ સવારે મંદિરના પટાંગણમાં યજ્ઞ કરવામાં આવશે અને ત્યારબાદ રથયાત્રાનો પ્રારંભ થશે.

રથયાત્રા નિમિત્તે ભગવાન શ્રી કૃષ્ણ,મોટાભાઈ બલરામ તથા બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે.સુંદર નયનરમ્ય સુશોભિત રથમાં ભગવાનની રથયાત્રા મંદિર થી નીકળીને શહેરના ભરૂચી નાકા,સેલારવાડ,વિભાગીય પોલીસ વડાની કચેરી,ચૌટા બજાર સહિતના વિવિધ વિસ્તારોમાં ફરીને પંચાટી બજાર થઈને રમણમુળજીની વાડી બાદ  નીજ મંદિર ખાતે પરત ફરશે.

રથયાત્રા દરમિયાન શ્રી જગન્નાથજી ટ્રસ્ટ સાથે વિવિધ ભજન મંડળીના સભ્યો,સંતો,રાજકીય અગ્રણીઓ પણ જોડાશે.જ્યારે પોલીસ તંત્ર દ્વારા પણ લોખંડી પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે. રથયાત્રામાં શ્રદ્ધાળુઓ માટે જાંબુ, મગ અને ચોકલેટનો  પ્રસાદ પણ વહેંચવામાં આવશે.જગતનાથ જગન્નાથને પોતાના ઘર આંગણે આવકારવા માટે ભકતોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે.