સુરત શહેર ક્રાઈમ બ્રાંચ પોલીસે મોર્નિંગ વોક પર નીકળતા લોકોને ટાર્ગેટ કરી 7 ચેઈન સ્નેચિંગના ગુના આચરનાર રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે.

સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી મોર્નિંગ વોકર્સ પાસેથી ચેઈન સ્નેચીંગના ગુન્હામાં નોંધપાત્ર વધારો થયો હતો. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાંચની ચેન સ્નેચિંગ સ્ક્વોર્ડને મળેલી ચોક્કસ બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. રથયાત્રાના પેટ્રોલિંગ દરમ્યાન ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીચેથી આરોપીને દબોચી લેવામાં પોલીસને સફળતા મળી છે. પકડાયેલ આરોપી માત્ર 19 વર્ષનો દેવ વાઘેલા છે, જે રાંદેર વિસ્તારનો રહેવાસી છે. આરોપીએ મિત્રો સાથે હરવા-ફરવા અને મોજ-શોખના પૈસા મેળવવા માટે આ ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી હતી. સમગ્ર મામલે આરોપી પાસેથી રૂ. 4.25 લાખની કિંમતની 2 સોનાની ચેઈન અને ગુનામાં વપરાયેલી રૂ. 1.50 લાખની યામાહા સ્પોર્ટ્સ બાઈક સહિત કુલ રૂ. 5,75,550/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના સિંગણપોર, ડભોલી, પાલ, ઉમરા અને અડાજણ વિસ્તારમાં બનેલી ચેઇન સ્નેચિંગની ઘટના અને પ્રયાસોનો ભેદ ઉકેલાયો છે.