ભરૂચમાં દહેજમાં બન્યો હતો બનાવ
વર્ષ 2023માં હત્યાનો બનાવ બન્યો હતો
પગાર બાબતે શ્રમજીવીની કરાય હતી હત્યા
કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી
રૂ.50 હજારનો દંડ પણ ફટકાર્યો
ભરૂચના વાગરા તાલુકાના દહેજ ખાતે આવેલી રૂચી પેટ્રોકાસ્ટ કંપનીની લેબર કોલોનીમાં મજૂરો વચ્ચે પગારની રકમ બાબતે થયેલા ઝઘડામાં એક મજૂરની હત્યા કરવાના કેસમાં ભરૂચની સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.
તા. 10 મે, 2023ના રોજ ભરૂચના દહેજ ખાતે આવેલી રૂચી પેટ્રોકાસ્ટ કંપનીની લેબર કોલોનીમાં રહેતા મજૂરો વચ્ચે પગારની રકમ બાબતે બોલાચાલી થઈ હતી.આ દરમિયાન આરોપી લાલબહાદુર કાદીર ગૌતમએ મજૂર અવધેશ દોબાલ ગૌતમ સાથે ઝઘડો કરી તેના માથાના ભાગે લોખંડના સેન્ટિંગના સળિયા વડે કુલ છ ઘા મારી સ્થળ પર જ નિર્મમ હત્યા કરી હતી.આ બનાવ અંગે દહેજ પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
કેસની સુનાવણી દરમિયાન સરકાર તરફથી વિશેષ સરકારી વકીલ મનોહરસિંહ રાઠોડ દ્વારા કુલ 21 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી તેમજ 17 જેટલા મહત્વના દસ્તાવેજી પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરી ધારધાર દલીલો કરી હતી.કોર્ટે રજૂ થયેલા પુરાવા અને દલીલોને ધ્યાને લઈ આરોપીને દોષિત ઠેરવ્યો હતો.જેમાં નામદાર સેશન્સ જજ ઈ.એમ.શેખની કોર્ટ દ્વારા આરોપી લાલબહાદુર કાદીર ગૌતમને આજીવન કેદની સજા તથા રૂ.50,000નો દંડ ફટકાર્યો છે.
