ભરૂચના પશ્ચિમ વિસ્તારનો બનાવ
એપાર્ટમેન્ટની ગેલેરી ધરાશાયી
બીજા માળની ગેલેરી તૂટી પડી
એક વ્યક્તિને પહોંચી ઇજા
ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ડભોઇયાવાડ ખાતે મહેદવીયા ફ્લેટમાં બીજા માળની ગેલેરીનો એક ભાગ ધરાશાયી થઈ જતા દોડધામ મચી જવા પામી હતી.આ દુર્ઘટનામાં એક વ્યક્તિને ઇજા પહોંચી હતી.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ડભોઇયાવાડ ખાતે મહેદવીયા ફ્લેટમાં આજે સવારે અચાનક બીજા માળની ગેલેરીનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો. ગેલેરી તૂટી પડતાં કાટમાળ નીચે એક વ્યક્તિ આવી જતાં તેને ઇજા પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્તને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં ભરૂચ ફાયર વિભાગ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. બચાવ અને સુરક્ષાની કામગીરી હાથ ધરી ફ્લેટના રહેવાસીઓને બહાર કાઢી સમગ્ર બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવ્યું હતું. સ્થળને સુરક્ષિત બનાવી વધુ કોઈ અકસ્માત ન સર્જાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ ગેલેરીનો માત્ર કેટલોક ભાગ જ ધરાશાયી થયો હતો. જોકે, ઘટનામાં મોટી જાનહાનિ ટળી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. હાલ ગેલેરી તૂટી પડવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.
