NEET પેપર લીક મુદ્દે PM આવાસ બહાર રાહુલ ગાંધીના ધરણા બાદ અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ દ્વારા ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, તેમની સામે ગુજરાત ભાજપ પ્રદેશનું વિરોધ પ્રદર્શન યોજાતા ભાજપ-કોંગ્રેસ આમને-સામને આવી ગઈ હતી.
NEET પેપર લીક મુદ્દે PM આવાસ બહાર ગઈકાલે રાહુલ ગાંધીના ધરણા બાદ કોંગ્રેસ આક્રમક છે. આજે 22 જુલાઈએ વહેલી સવારે 10 વાગ્યાની આસપાસ અમદાવાદમાં રાજીવ ગાંધી ભવને કોંગ્રેસે ધરણા યોજ્યા હતા. જે બાદ રેલી કાઢવામાં આવી. આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પહોંચ્યા હતા. રાજીવ ગાંધી ભવનથી રેલી નીકળીને હજુ તો ચાર રસ્તા પાસે પહોંચે ત્યાં જ પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. રેલીમાં કોંગ્રેસના કાર્યકરો પોલીસની ગાડી પર ચઢી ગયા હતા. જેમને નીચે ઉતારવા પોલીસે પણ ગાડી પર ચઢવું પડ્યું. તો ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ઈમરાન ખેડાવાલા સહિતના નેતાઓની અટકાયત કરવામાં પોલીસને પરસેવો છૂટ્યો હતો. ત્રણ બસ ભરીને કાર્યકર્તાઓની અટકાયત કરાઈ હતી.
કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન બહાર ગઇકાલે કરેલા પ્રદર્શનના વિરોધ સામે ગુજરાત ભાજપે પણ વિરોધનો સૂર ઉઠાવ્યો છે. અમદાવાદમાં કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે ધરણાં પર બેસેલા કોંગી કાર્યકરો સામે ભાજપના કાર્યકરોએ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું, જ્યાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરોને લઈને પહોંચ્યા હતા. જોકે, કોંગ્રેસ કાર્યાલયથી 50 મીટર દૂર ભાજપના નેતાઓને રોકી રાખવામાં આવ્યા હતા. અંદાજિત એક કલાકના સૂત્રોચ્ચાર બાદ ભાજપના નેતાઓ પરત ફર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. જોકે રેલી માટે પરવાનગી માંગવામાં આવી નહોતી. જેથી તમામ લોકોની અટકાયત કરવામાં આવી છે. તો બીજી તરફ, શહેરમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
