ભરૂચના મનુબર ગામનો બનાવ

તસ્કરોનો જોવા મળ્યો આતંક

સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા

8 જેટલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ

પોલીસ પેટ્રોલિંગ વધારે એવી માંગ

ભરૂચ તાલુકાના મનુબર ગામની સોસાયટીઓમાં તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે.ચોરીના ઇરાદે આવેલ 8 જેટલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.

ભરૂચ તાલુકાના મનુબર ગામની વિવિધ સોસાયટીઓમાં તસ્કરોની ચહલપહલ સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મનુબરની આફરીન એપાર્ટમેન્ટમાં મકાનમાં ચાલતી દુકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદાજે રૂ. 40 હજારની રોકડ ચોરી કરી હતી.ચોરીની ઘટના બાદ સોસાયટીમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવતા એક-બે નહીં પરંતુ 8થી વધુ શખ્સોની હિલચાલ કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. કેટલાક શખ્સો માથા પર ટોપી અને મોઢા પર બુકાની બાંધીને હાથમાં ચપ્પલ લઈ સોસાયટીના મકાનો આસપાસ ફરતા તથા ઘરોમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. કેટલાક શખ્સો રિક્ષા આસપાસ પણ હિલચાલ કરતા CCTVમાં કેદ થયા છે.તસ્કરોની ટોળકીની આ પ્રકારની હિલચાલને પગલે સોસાયટીના રહીશોમાં રાત્રિના સમયે ઘરની બહાર નીકળવા અંગે પણ ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિક રહીશોએ ભરૂચ તાલુકા પોલીસ સમક્ષ રાત્રિના સમયે પોલીસની વધુ હાજરી રહે અને તસ્કરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.