ભરૂચ એપીએમસીમાં ગંદકીનું સામ્રાજ્ય

જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગ

રોગચાળો ફાટી નિકળવાની દહેશત

એપીએમસીએ દોષનો ટોપલો નગરપાલિકા પર ઢોળ્યો

વેપારીઓ આંદોલનના મૂડમાં 

ભરૂચની સૌથી મોટી એપીએમસી માર્કેટમાં ગંદકીના પ્રશ્ને વેપારીઓ અને ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ મામલે એપીએમસીના કર્તાહર્તાઓએ દોષનો ટોપલો નગરપાલિકા પર નાંખવાનો પ્રયાસ કર્યો છે.

ભરૂચ શહેરમાં તાજું શાકભાજી પહોંચાડતા APMC શાક માર્કેટમાં જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. માર્કેટમાં ઠેરઠેર કચરાના ઢગલા અને અસ્વચ્છ વાતાવરણના કારણે વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. વેપારીઓનું કહેવું છે કે આવી સ્થિતિને કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય ઉભો થયો છે.

વેપારીઓએ તંત્ર સામે વિરોધ નોંધાવતા આક્ષેપ કર્યો છે કે છેલ્લા ત્રણ વર્ષથી સતત રજૂઆતો કરવા છતાં સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી. અનેક વખત રજૂઆત છતાં તંત્ર દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવ્યું હોવાનું વેપારીઓએ જણાવ્યું છે.આ મુદ્દે APMCના ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે માર્કેટની અંદર આવેલી લગભગ 400 દુકાનોનો વેરો નગરપાલિકાને ચૂકવવામાં આવે છે, તેમ છતાં કચરો ઉપાડવા માટે નગરપાલિકા તરફથી કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. તેમણે ખાતરી આપી કે આગામી સમયમાં APMC દ્વારા કચરો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ કોંગ્રેસના આગેવાનોએ પણ APMC માર્કેટની મુલાકાત લઈને ગંદકીના પ્રશ્ને તંત્રને આડે હાથ લીધું હતું અને યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.હવે વેપારીઓ અને સ્થાનિકોમાં એક જ માંગ ઉઠી રહી છે કે શાકભાજી જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓના મુખ્ય બજારમાં સ્વચ્છતા જળવાય અને સમસ્યાનું તાત્કાલિક કાયમી નિરાકરણ લાવવામાં આવે.