ભરૂચના ઝઘડિયા તાલુકાના રાણીપુરા મોરા વગામાં અવિરત વરસાદથી મોટા પાયે જમીન ધોવાણ થતા ખેડૂતોર ભારે નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે.

ભરૂચના ઝઘડિયા તાલુકામાં ગત સપ્તાહે પડેલા અવિરત અને ભારે વરસાદના કારણે રાણીપુરા ગામની સીમમાં આવેલા મોરા વગા વિસ્તારમાં મોટા પાયે જમીન ધોવાણ થતાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ગુમાનદેવ-ઉચેડિયા તરફથી વહેતી કાવેરી ખાડીમાં ઉપરવાસ તેમજ સ્થાનિક વરસાદના પાણીના જોરદાર પ્રવાહને કારણે ખાડી બે કાંઠે વહેતી થઈ હતી, જેના પરિણામે રાણીપુરા તરફના કાંઠાના ખેતરોમાં ઉભા પાક સાથે જમીન ધોવાઈ ગઈ હતી.

નર્મદા કાંઠા વિસ્તારમાં મુખ્યત્વે કેળ અને શેરડીની ખેતી થતી હોવા છતાં ખેડૂતો દ્વારા મગફળી, સોયાબીન, કપાસ, તુવેર તેમજ વિવિધ શાકભાજીના પાકનું પણ મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું હતું. સતત વરસાદ અને ખેતરોમાં પાણી ભરાઈ જતાં તમામ પ્રકારના પાકને વ્યાપક નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ, રાણીપુરા ગામની સીમને અડીને વહેતી કાવેરી ખાડીના રાણીપુરા કાંઠે છેલ્લા 15 વર્ષ દરમિયાન અંદાજે 200 વિઘા જેટલી જમીન ધોવાઈને સામા કાંઠે ઉચેડિયા તરફ સરકી ગઈ છે. વર્ષોથી ચાલી રહેલા આ જમીન ધોવાણના કારણે ખેડૂતોને સતત નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.

રાણીપુરા મોરા વગા વિસ્તારમાં સતત થઈ રહેલા જમીન ધોવાણને અટકાવવા માટે કાયમી રક્ષણાત્મક કામગીરી હાથ ધરવામાં આવે તેમજ અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ સ્થાનિક ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવી રહી છે.