ભરૂચના હાંસોટના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર. કે. વકીલ હાઈસ્કૂલ અને સ્વ. અલકાબેન પ્રાથમિક શાળા ખાતે ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆત ગુરુના મહિમાને સ્મરણ કરી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વક્તૃત્વ સ્પર્ધા, ગીત, બાળકૃતિ સહિતની વિવિધ કૃતિઓ રજૂ કરી વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું હતું.

વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રસંગે શાળાના શિક્ષકો અને શિક્ષિકાનું પૂજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શાળાના આચાર્ય ધર્મેશ જોશીએ વિદ્યાર્થીઓને ગુરુપૂર્ણિમાના પર્વનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જીવનમાં ગુરુના સ્થાન, ગુરુ પ્રત્યે આદર-સન્માનની ભાવના અને ગુરુના માર્ગદર્શનનું મહત્વ અંગે વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું.કાર્યક્રમમાં પ્રાથમિક વિભાગના આચાર્ય જયેશ પટેલ સહિત શાળાનો સમગ્ર પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

