ફરીવાર નવજાત શિશુનો મૃતદેહ મળ્યો

મીઠા ફેકટરી નજીક નહેરમાંથી મૃતદેહ મળ્યો

પોલીસે તપાસ શરૂ કરી,એક મહિનામાં ચોથી ઘટના

અંકલેશ્વરમાં ફરી એકવાર નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી તપાસ શરૂ કરી છે.

અંકલેશ્વરમાં નવજાત શિશુ મળી આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરના મીઠા ફેક્ટરી નજીક આવેલી નહેરમાંથી એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા.

માહિતી મળતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે નવજાતના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. શિશુની ઓળખ તેમજ તેને નહેરમાં કોણે અને કયા સંજોગોમાં ફેંક્યું તે દિશામાં તપાસ ચાલી રહી છે.નોંધનીય છે કે છેલ્લા એક મહિનામાં નવજાત શિશુ મળી આવવાની આ ચોથી ઘટના છે.

આ અગાઉ હાંસોટના રાયમા ગામ નજીક, બોર ભાઠાબેટ ગામ નજીક, સંજાલી ગામ નજીક તેમજ ભરૂચ શહેરમાંથી પણ નવજાત શિશુ મળી આવવાના બનાવો સામે આવી ચૂક્યા છે.વારંવાર આવી રહેલી ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ચિંતા અને રોષની લાગણી જોવા મળી રહી છે. પોલીસે તમામ કેસોને ગંભીરતાથી લઈ તપાસ તેજ કરી છે અને જવાબદાર વ્યક્તિઓ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા છે.