સુરતમાંથી એક અત્યંત ચોંકાવનારો અને તબીબી ક્ષેત્રે રાહત આપતો કિસ્સો સામે આવ્યો છે. એક 19 વર્ષીય યુવક અકસ્માતે એમ્બ્રોડરી મશીનની તીક્ષ્ણ સોય ગળી ગયો હતો. જોકે, ડાયમંડ હોસ્પિટલના ડોક્ટરોની સમયસૂચકતા અને સફળ કામગીરીને કારણે યુવકનો જીવ બચી ગયો છે.
સુરતમાં રહેતો એક 19 વર્ષીય યુવક પોતાના ઘર કે યુનિટમાં દાંત ખોતરી રહ્યો હતો, તે દરમિયાન ભૂલથી તેનાથી એમ્બ્રોડરી મશીનની આશરે 3 ઇંચ લાંબી અને તીક્ષ્ણ સોય ગળાઈ ગઈ હતી. સોય ગળામાં ઉતરી જતા યુવક અને તેના પરિવારજનોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.

ઘટનાની ગંભીરતા જોઈ પરિવારજનો યુવકને તાત્કાલિક સુરતની ડાયમંડ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. હોસ્પિટલમાં ત્વરિત ધોરણે એક્સ-રે રિપોર્ટ કરાવતા માલૂમ પડ્યું કે આ તીક્ષ્ણ સોય યુવકની હોજરીમાં પહોંચી ગઈ હતી. જો સોય આગળ વધીને અન્નનળી કે આંતરડાની દીવાલ સોંસરી નીકળી ગઈ હોત, તો યુવકના જીવ પર મોટું જોખમ ઊભું થઈ શકત.
પરિસ્થિતિની નાજુકતા સમજી ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડો.નીલેશ ગોધાણી અને તેમની તબીબી ટીમે મોડી રાત્રે જ ઓપરેશન કરવાનો નિર્ણય લીધો હતો. ડોક્ટરોએ કોઈપણ પ્રકારના ચીરફાડ કે વાઢકાપ વગર, માત્ર મોં વાટે ‘એન્ડોસ્કોપી’ પદ્ધતિનો ઉપયોગ કરીને અત્યંત કુશળતાપૂર્વક આ 3 ઇંચ લાંબી સોયને સુરક્ષિત રીતે પેટમાંથી બહાર કાઢી લીધી હતી.
સફળ એન્ડોસ્કોપી બાદ યુવકને અસહ્ય પીડામાંથી તાત્કાલિક રાહત મળી હતી. દર્દીની તબિયત સંપૂર્ણપણે સ્થિર જણાતા હોસ્પિટલમાંથી તેને રજા આપવામાં આવી છે. યુવકનો નવો જન્મ થતાં તેના પરિવારે ડાયમંડ હોસ્પિટલના ડોક્ટરો અને સમગ્ર સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
