નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર બાયોડીઝલના વેપલા સામે SOG પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાના કાકડીઆંબા ગામ પાસે દસ્તક બાયો ડ્રોપ-ઇન ફ્યુઅલ મહાબલી એન્ટરપ્રાઇઝ પર દરોડો પાડી ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતા બાયોડીઝલ પંપનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
નર્મદા જિલ્લાની SOG પોલીસે બાતમીના આધારે ગેરકાયદેસર ચાલતા બાયોડીઝલના વેપલા સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સ્થળ પરથી અંદાજે કિંમત રૂ. 2.25 લાખના 2500 લીટર શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ સાથે જ પોલીસે આરોપી હાર્દિક રતિભાઈ હિરપરાની ધરપકડ છે, જ્યારે હર્ષ કિશોરભાઈ છોડવાડિયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, કોઈપણ કાયદેસર પરવાના કે, સલામતીની વ્યવસ્થા વિના જ્વલનશીલ પદાર્થનો સંગ્રહ કરી વાહનોમાં ઇંધણ તરીકે વેચાણ કરવામાં આવતું હતું. જેના કારણે માનવજીવન અને જાહેર સુરક્ષા જોખમમાં મુકાઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે હાલ તો સાગબારા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
