ભરૂચના દહેજ મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાહિત વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતા-ફરતા આરોપીને ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પોલીસે રાજસ્થાનમાંથી ઝડપી પાડ્યો છે.

ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એન.આર. ચૌધરી દ્વારા સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી.આ દરમિયાન દહેજ મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ આરોપી ચંદ્રશેખર ઉર્ફે શેખર સોનારામ બિશ્નોઈ (ઉંમર ૩૩ વર્ષ), રહે. રાવરકીઢાની ગામ, તા. બિલાડા, જી. જોધપુર, રાજસ્થાન પોલીસ પકડથી બચવા માટે છેલ્લા છ વર્ષથી અલગ-અલગ સ્થળોએ છુપાતો હોવાની માહિતી મળી હતી.પોલીસ ટીમે અસંખ્ય ફોનકોલ રેકોર્ડ્સનો અભ્યાસ, ઝીણવટભર્યું ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે આરોપી રાજસ્થાનના બિલાડા તથા જોધપુર આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં હોવાની ચોક્કસ માહિતી મેળવી હતી.માહિતીના આધારે રાજસ્થાન ખાતે હાજર પોલીસ ટીમે સ્થાનિક પોલીસની મદદથી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી જોધપુરના સારણનગર વિસ્તારમાં આવેલા વિવિધ લોકેશન પર આવતો હોવાની માહિતી મળતાં પોલીસે વોચ ગોઠવી હતી. અંતે આરોપી ચંદ્રશેખર ઉર્ફે શેખર સોનારામ બિશ્નોઈને જોધપુરના સારણનગર વિસ્તારમાં આવેલા તેના રહેણાંક મકાનમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો.ઝડપાયેલા આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે દહેજ મરીન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.