ઝાલોદ નગરપાલિકામાં AHM એટલે કે એફોર્ડેબલ હાઉસિંગ મિશન હેઠળના આવાસ યોજનાના હપ્તા માટે લાંચ માંગવાનો મામલો સામે આવ્યો છે. મહીસાગર ACBની ટીમે છટકું ગોઠવીને કરાર આધારિત એન્જિનિયર અને તેના સહયોગી ખાનગી વ્યક્તિને ₹10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.

વિગત:
ઝાલોદ નગરપાલિકાના એફોર્ડેબલ હાઉસિંગ મિશનના કરાર આધારિત એન્જિનિયર જયેશકુમાર જયંતીલાલ પટેલ અને તેના સહયોગી મનુભાઈ ચંદુભાઈ વસૈયા ACBના છટકામાં ઝડપાયા છે.

મળતી માહિતી મુજબ, ફરિયાદીના ખાતામાં આવાસ યોજનાના પ્રથમ બે હપ્તા બાદ ત્રીજો હપ્તો ₹1 લાખ 50 હજાર જમા થયો હતો. આ હપ્તાની રકમના બદલામાં એન્જિનિયર જયેશ પટેલે ફરિયાદી પાસે ₹10 હજારની લાંચની માંગણી કરી હતી.

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે સમગ્ર મામલે મહીસાગર ACBનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે ACBની ટીમે છટકું ગોઠવ્યું હતું. મુવાડા ચોકડી, ઝાલોદ પોલીસ ચોકીની બાજુમાં આવેલા પાન-મસાલાના ગલ્લા પાસે લાંચની રકમ સ્વીકારવાનું નક્કી થયું હતું.

એન્જિનિયર જયેશ પટેલે લાંચની રકમ લેવા માટે ખાનગી વ્યક્તિ મનુભાઈ વસૈયાને આગળ કર્યો હતો. પંચોની હાજરીમાં મનુભાઈએ ₹10 હજારની લાંચ સ્વીકારતા જ ACBની ટીમે બંનેને સ્થળ પર જ ઝડપી લીધા હતા.

ACBની ટીમે લાંચની રકમ પણ રિકવર કરી હતી. સમગ્ર મામલે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.