અંકલેશ્વર અને હાંસોટમાં ઉજવણી

80માં સ્વતંત્રતા પર્વની ઉજવણી

3 સ્થળોએ ભવ્ય તિરંગા યાત્રા નિકળી

મંત્રી ઇશ્વરસિંહ પટેલ જોડાયા

દેશભક્તિને ઉજાગર કરતા દ્રશ્યો જોવા મળ્યા

અંકલેશ્વર અને હાંસોટમાં 80માં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલ જોડાયા હતા

અંકલેશ્વર અને હાંસોટમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના રંગે રંગાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો, અધિકારીઓ, પદાધિકારીઓ અને આગેવાનો જોડાયા હતા.

અંકલેશ્વર તાલુકાકક્ષાની તિરંગા યાત્રા ગડખોલ પાટિયાથી અંદાડા સુધી યોજાઈ હતી. જ્યારે અંકલેશ્વર શહેરમાં ઈ.એન. જીનવાલા હાઈસ્કૂલથી ભરુચીનાકા સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી. રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ યાત્રામાં દેશભક્તિના નારા અને તિરંગા સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.યાત્રામાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર રાજન વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હાંસોટ તાલુકા મથક ખાતે પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મામલતદાર કચેરીથી શરૂ થયેલી યાત્રા કાકા બા હોસ્પિટલ થઈ હાંસોટ સર્કલ ખાતે પૂર્ણ થઈ હતી. યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા.

હાંસોટ મામલતદાર રણજીત મકવાણા, હાંસોટ પોલીસ મથકના પી.આઈ. નયન વસાવા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી તિરંગા યાત્રાથી સમગ્ર વિસ્તાર દેશભક્તિના માહોલમાં રંગાઈ ગયો હતો. રાષ્ટ્રીય પર્વ પૂર્વે યોજાયેલી આ ઉજવણીમાં ‘તિરંગા’ પ્રત્યેનો ગૌરવ અને રાષ્ટ્રભાવનાનો જુસ્સો જોવા મળ્યો હતો.