ડીસાના રસાણા ગામમાં બની અરેરાટીભરી ઘટના
કપડા સુકવવા જતા ઘટી વીજ કરંટની દુર્ઘટના સર્જાય
દીકરીને બચાવવા જતા પિતા પણ કરંટની ચપેટમાં આવ્યા
પિતા પુત્રીના મોત નિપજતા પરિવાર નિરાધાર બન્યો
વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે ગ્રામજનોમાં આક્રોશ
બનાસકાંઠાના ડીસા તાલુકાના રસાણા ગામમાં કપડા સુકવતી વખતે લાગેલા વીજ કરંટમાં એક જ પરિવારના બે સભ્યો હોમાઈ ગયા છે. દીકરીને બચાવવા ગયેલા પિતાનું પણ કરંટ લાગવાથી કમકમાટીભર્યું મોત નિપજતાં સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રસાણા ગામે રહેતી 20 વર્ષીય અમીષા ઠાકોર ઘર નજીક કપડા સુકવવા ગઈ હતી. આ દરમિયાન અચાનક વીજ વાયરના સંપર્કમાં આવી જતા તેને જોરદાર કરંટ લાગ્યો હતો. દીકરીની ચીસાચીસ સાંભળી તેને બચાવવા માટે 53 વર્ષીય પિતા કાનજી ઠાકોર દોડી આવ્યા હતા. પરંતુ કાળ બનેલા વીજ પ્રવાહે પિતાને પણ પોતાની ચપેટમાં લઈ લીધા હતા. પિતા-પુત્રી બંને ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા. ચીસાચીસ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બંનેને ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
પરિવારજનોનો ગંભીર આરોપ છે કે અગાઉ લટકતા વીજ વાયરોના સમારકામ માટે વીજ વિભાગને વારંવાર રજૂઆતો કરી હતી, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. તંત્રની આ જ ઘોર બેદરકારીએ આજે એક ગરીબ પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. હાલ તો તાલુકા પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
