ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું નિવેદન
જંગલ જમીન ખેડાણ વિવાદ અંગે નિવેદન
આજથી સત્યાગ્રહ આંદોલનની કરાય છે જાહેરાત
કોંગ્રેસના નેતાઓ સ્ટંટબાજી કરતા હોવાના આક્ષેપ
સરકારના વિભાગો વચ્ચે સંકલન ન હોવાના આક્ષેપ
નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણ મુદ્દે આજથી સત્યાગ્રહ આંદોલનની જાહેરાત કરવામાં આવી છે ત્યારે સાંસદ મનસુખ વસાવાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીન ખેડવાના વિવાદે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ખોપી ખાતે આજથી સત્યાગ્રહ આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ સમગ્ર મામલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.
સાંસદ મનસુખ વસાવાના જણાવ્યા મુજબ, વન વિભાગ, આદિવાસી વિભાગ અને કલેક્ટર કચેરી વચ્ચે પૂરતા સંકલનના અભાવે જંગલ જમીનનો આ પ્રશ્ન વધુ પેચીદો બન્યો છે.મહત્વનું છે કે, અગાઉ આ મુદ્દે વનમંત્રી સામે આક્ષેપો કરનાર મનસુખ વસાવાના હવે સુર બદલાયા છે. બીજી તરફ ખોપી ખાતે જાહેર કરાયેલા સત્યાગ્રહ આંદોલનમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ જોડાય તેવી ચર્ચા વચ્ચે સાંસદે વિપક્ષ પર નિશાન સાધ્યું છે.
મનસુખ વસાવાએ કહ્યું છે કે વિપક્ષના નેતાઓ સ્ટંટબાજી કરી રહ્યા છે, જ્યારે આ પ્રશ્નનો વાસ્તવિક ઉકેલ રાજ્ય સરકાર જ લાવશે.હવે ખોપી ખાતે શરૂ થનારા સત્યાગ્રહ બાદ સરકાર અને વહીવટી તંત્ર દ્વારા આદિવાસીઓની જંગલ જમીન અંગેના વિવાદના ઉકેલ માટે કયા પગલાં લેવામાં આવે છે, તેના પર સૌની નજર છે.
