દાહોદ જિલ્લામાં કાયદો-વ્યવસ્થા અને ખેડૂતોની હાલાકીને લઈને રાજકારણ ગરમાયું છે. રાજ્યમાં ચર્ચિત લઠ્ઠાકાંડ અને ખાતરની અછત તથા કાળાબજારીના મુદ્દે દાહોદ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓએ એકઠા થઈને સરકાર અને પોલીસ તંત્ર સામે ગંભીર આરોપો લગાવ્યા હતા.
દાહોદના ડો.બાબાસાહેબ આંબેડકર સર્કલ ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા,અને ત્યાંથી સુત્રોચ્ચાર સાથે એક વિશાળ રેલી યોજવામાં આવી હતી. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને મામલતદાર કચેરી પહોંચી હતી, જ્યાં કોંગ્રેસ પ્રતિનિધિમંડળ દ્વારા મામલતદાર તેમજ ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું.
આવેદનપત્ર આપવા દરમિયાન કોંગ્રેસના નેતાઓએ રાજ્યના ગૃહમંત્રી અને ભાજપ સરકાર પર સીધા પ્રહારો કર્યા હતા. લઠ્ઠાકાંડની ઘટનાઓ પર પોલીસ તંત્ર અને સરકારની નિષ્ફળતા ગણાવીને ગૃહમંત્રી તાત્કાલિક રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી હતી. આ સાથે જ, દાહોદના ખેડૂતો ખાતર મેળવવા માટે મોડી રાતથી જ લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
કોંગ્રેસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો લઠ્ઠાકાંડમાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે અને ખેડૂતોને યોગ્ય ભાવે તથા પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.
