ભરૂચ નગરપાલિકાની કાર્યવાહી

ગંદકી ફેલાવવા બદલ દંડ ફટકારાયો

સીટી સેન્ટરના સંચાલકોને દંડ

રૂપિયા 2 હજારનો દંડ કરાયો

વેપારીઓમાં ફફડાટ

ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ સીટી સેન્ટરના સંચાલકોને ગંદકી ફેલાવવા બદલ નગર સેવા સદન દ્વારા રૂ.2 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે

ભરૂચ શહેરમાં સ્વચ્છતા જાળવવા તેમજ મુખ્ય માર્ગો પરથી ગારબેજ વરનેબલ પોઇન્ટ દૂર કરવાના અભિયાનના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જેમાં મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ તેમની ટીમના સેનેટરી ઇન્સ્પેક્ટરે વોર્ડ નંબર- 8ના સિટી સેન્ટર વિસ્તારમાં આકસ્મિક તપાસ કરતા કોમ્પ્લેક્સના પાછળના ભાગેથી વર્ષો જૂનો કચરાનો મોટો ઢગલો મળી આવ્યો હતો.જેથી મુખ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ સેનેટરી ઇન્સ્પેક્ટર ભૂમિ સેવકે કામગીરી કરતા જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા દરરોજ બે વખત ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત, ફોન પર ફરિયાદ મળતાં પણ તાત્કાલિક વાહનની વ્યવસ્થા કરી કચરો ઉપાડવામાં આવે છે. તેમ છતાં સિટી સેન્ટરના વેપારીઓ અને સંચાલકો દ્વારા જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવવામાં આવતી હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું.સમગ્ર મામલે પાલિકા તંત્ર દ્વારા સિટી સેન્ટરના સંચાલકો ને રૂ.2 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ કચરાનો તાત્કાલિક નિકાલ કરવા માટે 12 કલાકનું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું છે.નગરપાલિકા તંત્ર દ્વારા વેપારીઓ તેમજ શહેરીજનોને મુખ્ય માર્ગો, જાહેર સ્થળો કે ખુલ્લી જગ્યામાં કચરો ન ફેંકવા અને ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની ગાડીઓમાં જ કચરો આપવા અપીલ કરવામાં આવી છે.