નવેઠામાં પ્રાથમિક શાળાની બાજુમાં પશુઓ રખાતા વિરોધ
વિદ્યાર્થી-ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો
ગંદકીના સામ્રાજ્ય સાથે ગ્રામજનોના આરોગ્ય સામે જોખમ
ગ્રામજનોએ એકત્રિત થઈ સમગ્ર મામલે વિરોધ નોંધાવ્યો
સંબંધિતોને રજૂઆત કરાતા કોઈ કાર્યવાહી નહીં : સ્થાનિક
ભરૂચ જિલ્લાના નવેઠા ગામમાં પ્રાથમિક શાળાની બાજુમાં પશુઓ બાંધવામાં આવતા વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદ ઉઠી છે. શાળા અને મંદિર નજીક પશુઓ રાખવામાં આવતા ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય સર્જાવાની સાથે વિદ્યાર્થીઓના આરોગ્ય સામે પણ જોખમ ઉભું થયું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.
નવેઠા ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને કરાયેલી લેખિત રજૂઆત મુજબ, ગામમાં આવેલા ભાથીજી મહારાજના મંદિર તથા વેરાઈ માતાના મંદિર પાસે ગામના સ્થાનિક વ્યક્તિ દ્વારા પ્રાથમિક શાળાની બાજુમાં પોતાના પશુઓ રાખવામાં આવે છે. પશુઓના કારણે શાળા તેમજ મંદિર આસપાસ ગંદકી અને દુર્ગંધ ફેલાતી હોવાથી વિદ્યાર્થીઓ અને દર્શનાર્થીઓને મુશ્કેલી પડે છે. ગંદકીના કારણે ગંભીર બીમારી ફેલાવાની શક્યતા પણ ગ્રામજનોએ વ્યક્ત કરી છે. વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આ અંગે ગ્રામજનો અને શાળાના આચાર્ય દ્વારા અગાઉ પણ સંબંધિત વ્યક્તિને પશુઓ અન્યત્ર ખસેડવા જણાવાયું હતું. તેમ છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો છે. આ ઉપરાંત, રજૂઆત કરનારાઓ સાથે ઉગ્ર ભાષામાં વાત કરી ધમકી આપવામાં આવતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.
