આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આજે ગાંધીનગર ખાતે રાજ્ય સ્વાગત ઓનલાઈનની મુલાકાત લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પાસેથી જનફરિયાદ ઓનલાઈન નિવારણ માટેના આ ટેકનોલોજીયુક્ત અભિગમની તલસ્પર્શી જાણકારી મેળવી હતી.

માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન વર્ષ 2003માં શરૂ કરાવેલો આ નવતર અભિગમ ગુડ ગવર્નન્સ અને લોક ફરિયાદ નિવારણનું આગવું મોડેલ બનેલ છે, જેની વિગતો જાણીને આસામના મુખ્યમંત્રી અત્યંત પ્રભાવિત થયા હતા.

મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીએ ગ્રામ, તાલુકા અને જિલ્લા એમ ત્રિસ્તરીય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમની સંપૂર્ણ માહિતી આસામના મુખ્યમંત્રીશ્રીને આપતાં જણાવ્યું હતું કે, સ્વાગતમાં આવતી રજૂઆતોના નિવારણની ટકાવારી 90 ટકાથી વધુ છે.