ભરૂચ શહેરમાં બાકી વેરાની વસૂલાતને લઈને નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તમામ પ્રકારનો વેરો સમયસર ભરપાઈ કરવા પાલિકા તંત્ર દ્વારા બાકીદારોને તાકીદ કરવામાં આવી છે.
ભરૂચ શહેરમાં પ્રાથમિક સુવિધાઓ જળવાઈ રહે તેમજ નગરપાલિકાના રોજિંદા વહીવટી ખર્ચ માટે પૂરતું સ્વભંડોળ ઉપલબ્ધ રહે તે માટે તમામ પ્રકારના બાકી વેરા અને વ્યવસાય વેરાની વસૂલાતને લઈને નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે, પાલિકાની સ્વભંડોળની આવકમાં વેરાની આવકનો મહત્વનો હિસ્સો છે. સ્ટ્રીટ લાઈટના બિલ, વાહનોના ડીઝલ ખર્ચ, આઉટસોર્સિંગ તેમજ નિયમિત કર્મચારીઓના પેન્શન અને વિવિધ મરામતના ખર્ચ સ્વ-ભંડોળમાંથી કરવામાં આવે છે. ચાલુ વર્ષના વેરાની આશરે 90 ટકા વસૂલાત થઈ રહી છે. પરંતુ અગાઉના વર્ષોની મોટી બાકી રકમના કારણે પાલિકાના સ્વભંડોળ પર સીધી અસર પડી રહી છે. જોકે, સક્ષમ હોવા છતાં લાંબા સમયથી વેરો ન ભરતા મોટા બાકીદારોની યાદી તૈયાર કરી પાલિકાની ટેક્સ શાખા દ્વારા વોરંટ બજવણીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ સાથે જ રહેણાક વિસ્તારોમાં પણ લાંબા સમયથી વેરો બાકી રાખનાર સામે નળ કનેક્શન કાપવા સહિતની દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ભરૂચ નગરપાલિકા તંત્રએ શહેરના વિકાસ અને પ્રાથમિક સુવિધાઓ જાળવવામાં સહયોગ આપવા નગરજનોને અપીલ કરી છે.
