જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર ચંગા રોડ વિસ્તારમાં મધરાતે કાર, ઓટોરિક્ષા અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. 3 વાહનો વચ્ચેની જોરદાર ટક્કરમાં 3 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા, જ્યારે 7 જેટલા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

શ્રાવણ માસના ત્રીજા સોમવારે લાલપુર નજીક આવેલા પ્રસિદ્ધ ભોળેશ્વર મહાદેવના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને કાળ ભેટ્યો છે. જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર ચંગા રોડ વિસ્તારમાં મધરાતે આશરે 2 વાગ્યાના અરસામાં કાર, ઓટોરિક્ષા અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં રિક્ષાચાલક ગુલાબ બારોટ તેમજ બાઈક પર સવાર જામનગરના 2 યુવાન નવીન પઠાણ અને નોમન સમાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે 2 મહિલા અને 5 બાળકો સહિત 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બનાવની જાણ થતાં જ નજીકના સેવા કેમ્પના યુવાનો અને 108 એમ્બ્યુલન્સની 3 ટીમ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી હતી, અને તમામ ઘાયલોને જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ભીષણ અકસ્માતમાં ત્રણેય વાહનનો બુકડો બોલી ગયો હતો. તો બીજી તરફ, પંચકોશી ‘બી’ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ અને કોની બેદરકારીથી આ અકસ્માત સર્જાયો, તે અંગે ગુનો નોંધીને સઘન તપાસ હાથ ધરી છે.