પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામમાં વન્યપ્રાણીના હુમલામાં વૃદ્ધ મહિલાઓ અને પુરુષો સહિત 15થી વધુ ગ્રામજનો ઈજાગ્રસ્ત થયા છે. તો બીજી તરફ, વન વિભાગે વન્યપ્રાણીને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી અનુસાર, પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામમાં ગત મોડી રાત્રે વન્યપ્રાણીએ એક પછી એક લોકો પર હુમલા કર્યા હતા. ઠાકોરવાસ અને રવેચીના મેદાન વિસ્તારમાં સૂતેલા લોકોને પણ પ્રાણીએ નિશાન બનાવ્યા હતા. આ પ્રાણીએ લોકોના મોઢા, ચહેરા અને જડબાના ભાગે ગંભીર બચકાં ભરતાં ગ્રામજનોમાં નાસભાગ મચી હતી. સવાર સુધી ચાલેલા હુમલાના પગલે ગામમાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. લોકો પોતાના ઘરની બહાર નીકળતાં પણ ભય અનુભવી રહ્યા હતા. ઘટના બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ધારપુર સ્થિત મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોની ટીમ દ્વારા દર્દીઓની સારવાર હાથ ધરવામાં આવી છે. કેટલાક ગ્રામજનોને માથા અને ચહેરાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ, બનાવની જાણ થતાં જ વન વિભાગનો કાફલો વૌવા ગામે દોડી ગયો હતો. ગ્રામજનો હુમલો કરનાર પ્રાણી શિયાળ હોવાનું અનુમાન લગાવી રહ્યા છે, પરંતુ વન વિભાગ દ્વારા તપાસ બાદ જ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવશે. હાલ વન વિભાગે પ્રાણીને પાંજરે પૂરવા અને તેની ચોક્કસ ઓળખ મેળવવા કાર્યવાહી ઝડપી બનાવી છે.
