ગભેની ચોકડી પાસે દુકાનોમાં લાગી ભીષણ આગ
પ્રચંડ ધડાકાથી દુકાનની છતના પતરા હવામાં ફંગોળાયા
પાર્ક કરેલી ગાડીઓ સહિત કિંમતી સામાન બળીને રાખ
5 ફાયર ફાઇટરે આગ પર મેળવ્યો કાબૂ
શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન
સુરતના બસેરા નગર સ્થિત ગભેની ચોકડી પાસે આવેલી દુકાનોમાં સવારે અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી સર્જાઇ હતી.
સુરતના બસેરા નગર સ્થિત ગભેની ચોકડી પાસે આવેલી દુકાનોમાં સવારે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી સર્જાઇ હતી. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગની વિકરાળતા દરમિયાન દુકાનમાં રાખેલા કેમિકલ ભરેલા ડ્રમ પ્રચંડ ધડાકા સાથે ફાટતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આગની તીવ્રતા એટલી ભયંકર હતી કે ધડાકાના કારણે દુકાનની છતના પતરા હવામાં દૂર સુધી ફંગોળાઈ ગયા હતા, અને દુકાન બહાર પાર્ક કરેલી ભંગારની ગાડી સહિતનો અન્ય કિંમતી સામાન બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 5 ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી,અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. આ સાથે જ સચિન જીઆઇડીસી પોલીસ પણ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, જ્યારે આગના કારણે થયેલા નુકસાન અને ચોક્કસ કારણ અંગે હાલ આંકલન અને મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.
