અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ ખાતે સાયબર ક્રાઇમ તથા NDPS અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમમાં અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અમરસિંહ વાળા તથા પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમના વિવિધ સ્વરૂપો, ઓનલાઈન છેતરપિંડી, ફ્રોડથી બચવાના ઉપાયો તેમજ સોશિયલ મીડિયાના સલામત ઉપયોગ અંગે વિસ્તૃત અને વ્યવહારુ માર્ગદર્શન આપ્યું હતું.

આ ઉપરાંત વિદ્યાર્થીઓને NDPS એટલે કે નશીલા અને માદક પદાર્થોના દુષણથી થતા સામાજિક અને વ્યક્તિગત નુકસાન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ સાયબર સુરક્ષા અને માદક પદાર્થો સંબંધિત વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા, જેના પોલીસ અધિકારીઓએ ઉપયોગી અને વ્યવહારુ જવાબો આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
