ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આત્મીય હોલ ખાતે શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં પાંચ શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જો કે શિક્ષણ સંઘના હોદ્દેદારોને મંચ પર સ્થાન ન આપતા વિવાદ થયો હતો અને હોદ્દેદારોએ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો.

ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે ભરૂચ શહેરના કોલેજ રોડ ઉપર આવેલ આત્મીય હોલ ખાતે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.આ સન્માન સમારોહમાં જિલ્લા કક્ષાના 3 શ્રેષ્ઠ શિક્ષકો અને તાલુકા કક્ષાના 2 શ્રેષ્ઠ શિક્ષકોનું આમંત્રિત મહાનુભાવોના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન,નગર પાલિકાના પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા,ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતીબા રાઉલજી,ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જો કે શિક્ષણ સંઘના હોદ્દેદારોને મંચ પર સ્થાન ન આપતા વિવાદ થયો હતો અને હોદ્દેદારોએ કાર્યક્રમનો બહિષ્કાર કરી વોકઆઉટ કર્યું હતું. આ અંગે શિક્ષણ સંઘના પ્રવીણસિંહ રણાએ જણાવ્યું હતું કે સંઘને આજે સવારે કાર્યક્રમની જાણ ફોનથી કરવામાં આવી અને કાર્યક્રમમાં સ્ટેજ પર સ્થાન તો ન અપાયું સાથે જ સન્માનજનક વ્યવહાર પણ કરવામાં આવ્યો નથી.શિક્ષકોને સન્માનવાના કાર્યક્રમમાં સંઘના જ હોદ્દેદારોનું અપમાન કરવામાં આવ્યું છે. વારંવાર આ પ્રકારના અપમાનના કારણે આત્મસન્માન ઘવાય છે.

સમગ્ર વિવાદ અંગે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ બા રાઓલે જણાવ્યું હતું કે આ એક ગેર સમજણ હતી તેને દૂર કરી દેવામાં આવી છે.ભવિષ્યમાં આ પ્રકારની ગેરસમજણ ન થાય તે માટેના તમામ પ્રયત્નો કરવામાં આવશે.