સુરતના પાંડેસરા વિસ્તારમાં બોગસ પરવાનગી ધરાવતી શાળાની માન્યતા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા રદ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. જોકે શાળાના 200 બાળકોના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ઉભો ન થાય તે માટે પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાંથી શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ગંભીર બાબત સામે આવી છે. અહીં આવેલી ‘સંત શ્રી રઘુદાસ પ્રાથમિક અંગ્રેજી માધ્યમની શાળા’ વિરુદ્ધ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા મોટી અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ શાળા બોગસ અને શંકાસ્પદ મંજૂરીપત્રના આધારે ધોરણ 1 થી 8 નું શિક્ષણ આપી રહી હોવાનું ખુલાસો થતાં શિક્ષણ વિભાગે તાત્કાલિક ધોરણે શાળાની માન્યતા રદ કરી દીધી છે.
જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ દરમિયાન શાળાની માન્યતા સંબંધિત દસ્તાવેજોમાં અત્યંત ગંભીર ગોટાળા અને છબરડા સામે આવ્યા છે. તપાસમાં બહાર આવ્યું કે શાળાએ વર્ષ 2025માં અભ્યાસક્રમ શરૂ કરવા માટે વર્ષ 2011નો એક મંજૂરીપત્ર રજૂ કર્યો હતો. જોકે, આશ્ચર્યજનક વાત એ છે કે આ પત્ર પર જે DEOની સહી હતી, તે અધિકારીની તો વર્ષ 2010માં જ બદલી થઈ ચૂકી હતી! 2010 અને 2011ના આ બે શંકાસ્પદ મંજૂરીપત્રો અંગે જ્યારે શાળા સંચાલકો પાસે મૂળ દસ્તાવેજો માંગવામાં આવ્યા, ત્યારે તેઓ તે રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
શાળાની માન્યતા રદ થવાને કારણે તેમાં અભ્યાસ કરતા અંદાજે 200 જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ઊભો ન થાય તે માટે DEO કચેરી એક્શન મોડમાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા તમામ વિદ્યાર્થીઓને નજીકની અન્ય શાળાઓમાં શિફ્ટ કરવાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત, રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ભણતા બાળકોને પણ નજીકની ખાનગી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ અપાવવા માટે વાલીઓને સમજાવવામાં આવશે, જેથી બાળકોનું શૈક્ષણિક વર્ષ બગડે નહીં.
