જો કોઈ વ્યક્તિ પોતાની FASTag જાહેર કરતી બેન્ક બદલવા માંગે છે તો તેણે નવું FASTag લેવું પડે છે જેનો અર્થ એ છે કે તેણે જૂનું ટેગ રદ કરવું પડશે, નવું ખાતું ખોલવું પડશે અને પોતાના વાહનમાં નવું સ્ટીકર લગાવવું પડશે. જોકે, આ ઝંઝટનો અંત આવવાનો છે. સરકારે OneTag નામની એક નવી સુવિધા શરૂ કરી છે, જે FASTag સ્ટીકર બદલ્યા વિના FASTag બેન્ક બદલવાની મંજૂરી આપે છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026માં OneTag સુવિધા શરૂ કરી. આ સુવિધા વાહન માલિકોને તેમના હાલના NETC FASTag ને એક બેન્કમાંથી બીજી બેન્કમાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે છે. સૌથી અગત્યનું બેન્ક બદલ્યા પછી પણ વાહન પરનો ભૌતિક FASTag યથાવત રહેશે. તેનો ટેગ ID અને વાહન નોંધણી નંબર એ જ રહેશે, એટલે કે નવું સ્ટીકર મેળવીને વાહનના વિન્ડસ્ક્રીન પર ફરીથી લગાવવાની જરૂર રહેશે નહીં.
રાજમાર્ગયાત્રા એપથી થશે બેન્ક સ્વિચ
FASTag ને બીજી બેન્કમાં પોર્ટ કરવાની સુવિધા NHAIની રાજમાર્ગયાત્રા મોબાઇલ એપ દ્વારા ઉપલબ્ધ થશે. બેન્કો બદલવા માટે યુઝર્સને કેટલીક જરૂરી વેરિફિકેશન અને તપાસ પૂર્ણ કરવાની રહેશે. આ પછી યુઝર્સની સંમતિ મેળવવામાં આવશે અને તેઓ તેમની પસંદગીની નવી FASTag જાહેર કરનાર બેન્ક પસંદ કરી શકશે. નવી બેન્ક સાથે જરૂરી ઓનબોર્ડિંગ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી FASTag સેવાઓ નવી બેન્કમા ટ્રાન્સફર કરવામાં આવશે.
બેન્ક ફેરફાર જૂના ખાતા સંબંધિત બાબતોની જવાબદારી સંપૂર્ણપણે દૂર કરશે નહીં. વર્તમાન FASTag જાહેર કરનાર બેન્ક રિફંડ, બાકી વ્યવહારો અને જૂના વોલેટ સંબંધિત અન્ય મહત્વપૂર્ણ બાબતોનું સંચાલન કરશે. સફળ પોર્ટેબિલિટી પછી વધુ FASTag-સંબંધિત સેવાઓ નવી બેન્કની જવાબદારી રહેશે. NPCI OneTag પાછળ ટેકનિકલ સપોર્ટનું સંચાલન કરશે. તે FASTag પોર્ટેબિલિટી પ્રક્રિયાને સરળ બનાવશે અને NETC નેટવર્ક પર જાહેર કરનાર બેંકની માહિતી અપડેટ કરશે.
