આગામી ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાયદો-વ્યવસ્થા અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મહત્વના જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. તા. 21 સપ્ટેમ્બરે આમોદ ટાઉન, જંબુસર ટાઉન, કાવી ટાઉન અને કંબોઇમાં તથા તા. 25 સપ્ટેમ્બરે બાકીના સમગ્ર ભરૂચ જિલ્લામાં ગણેશ વિસર્જન શોભાયાત્રા યોજાશે.વિસર્જન શોભાયાત્રા દરમિયાન જાહેર માર્ગો પર દારૂખાનું ફોડવા તેમજ ‘ઝટપટ પાવડર’ના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ શોભાયાત્રા દરમિયાન લોકોની સુરક્ષા અને અનિચ્છનીય બનાવો અટકાવવાના હેતુથી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ, 1951ની કલમ 131 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
તા. 25 સપ્ટેમ્બરે સવારે 8 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી ગણેશ વિસર્જન શોભાયાત્રાને પગલે અંકલેશ્વરના વિવિધ માર્ગો પર વાહન વ્યવહાર ડાયવર્ટ કરવામાં આવશે.સુરત-હાંસોટ તરફથી આવતા વાહનોને એશિયાડ નગરથી સર્વોદય સોસાયટી, કસ્બાતીવાડ, ગુજરાત હાઉસિંગ બોર્ડ અને આદર્શ સ્કૂલ તરફ વાળવામાં આવશે. મોટા વાહનોને સાહોલ ગામથી કીમ તરફ NH-8 પર ડાયવર્ટ કરાશે.રાજપીપળા ચોકડી તરફથી આવતા મોટા વાહનોને મહાવીર જકાતનાકા (ONGC ટાઉનશિપ)થી વાલિયા ચોકડી થઈ સુરત તરફ વાળવામાં આવશે. જ્યારે અંકલેશ્વરથી ભરૂચ તરફ જતા વાહનોને ગડખોલ પાટિયાથી અંદાડા, સામોર અને માંડવા થઈ NH-48 તરફ ડાયવર્ટ કરવામાં આવશે.પોલીસ તથા સરકારી બંદોબસ્તના વાહનો અને ગણપતિજીની પ્રતિમા લઈ જતાં વાહનોને આ ટ્રાફિક ડાયવર્ઝનમાંથી મુક્તિ આપવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
