થાનગઢ પાસે તરણેતરના મેળામાં છત્રીએ જમાવ્યું આકર્ષણ
રંગબેરંગી ભરતકામવાળી છત્રીઓ લોકોની પહેલી પસંદ બની
વિદેશી પ્રવાસીઓ સહિતના લોકોમાં અનોખું આકર્ષણ જમાવ્યું
50 વર્ષથી દરજી પરિવારે પરંપરાગત હસ્તકલા જાળવી રાખી
છત્રી, કોટી, ચણિયાચોળી, મોજડી, રજવાડી પાઘડીનું વેંચાણ
સામાન્ય રીતે છત્રીનો ઉપયોગ તડકા કે, વરસાદથી બચવા માટે થાય છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પાસે તરણેતરના મેળામાં છત્રી એ માત્ર વસ્તુ નથી, પણ શાન અને શૌર્યનું પ્રતીક છે. તરણેતરના મેળામાં રંગબેરંગી ભરતકામવાળી છત્રીઓ વિદેશી પ્રવાસીઓ તેમજ લોકોમાં અનોખું અને મુખ્ય આકર્ષણ બની છે.
ગુજરાત એટલે ઉત્સવો અને મેળાઓની ભૂમિ. અહીંના લોકજીવનમાં ધબકતો ઉત્સાહ, રંગોનું વૈવિધ્ય અને પરંપરાઓની સુગંધ જો ક્યાંય સૌથી વધુ પ્રખર રીતે જોવા મળતી હોય, તો તે છે “તરણેતરનો મેળો”. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ સ્ટેશનથી 6 માઈલ દૂર આવેલા તરણેતરમાં ભરાતો મેળો હાલ શરૂ થઈ ગયો છે, ત્યારે તરણેતરના મેળામાં રંગબેરંગી ભરતકામવાળી છત્રીઓએ લોકોમાં અનોખું આકર્ષણ જમાવ્યું છે. કોળી, ભરવાડ, રબારી અને અન્ય જ્ઞાતિના યુવાનો આ છત્રીઓ લઈને મેળામાં ફરતા જોવા મળે છે. આ છત્રીઓ સાદી હોતી નથી, તે હાથે ભરેલા ભરતકામથી સુશોભિત હોય છે. મેળામાં જ્યારે કોઈ યુવાન સજ્જ થઈને, હાથમાં આ કલાત્મક છત્રી લઈને નીકળે છે, ત્યારે તે પોતાની કલાસૂઝ અને સામાજિક મોભાનું પ્રદર્શન કરે છે. અપરિણીત યુવાનો માટે આ છત્રી એક પ્રકારનું “સ્ટેટસ સિમ્બોલ” છે, જે યુવતીઓને આકર્ષવા માટે વપરાય છે. વધુમાં જેની છત્રી સૌથી સુંદર, તે યુવાન સૌથી કલાપ્રેમી અને ઉત્સાહી હોવાનું પણ કહેવાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આધુનિકતાના આ યુગમાં જ્યારે જૂની પરંપરાઓ લુપ્ત થઈ રહી છે, ત્યારે તરણેતરનો મેળો એ વાતની સાબિતી આપે છે કે, ગુજરાતના ગામડાઓમાં હજુ પણ સંસ્કૃતિનો અસલી આત્મા જીવંત છે, ત્યારે છેલ્લા 50 વર્ષથી દરજી પરિવાર આ પરંપરાગત હસ્તકલાને જાળવી રહ્યો છે. સ્થાનિકો ઘરઆંગણે જ છત્રીઓ, કોટી, ચણિયા-ચોળી, મોજડી સહિત રજવાડી પાઘડીનું વેંચાણ કરી આત્મનિર્ભર પણ બન્યા છે.
