એમ્બ્રોઈડરી કારખાનાના 10 લાખથી વધુ શ્રમિકોનો વિરોધ
પોતાના પડતર પ્રશ્નોને લઈને કલેક્ટર કચેરીને ગજવી મુકી
શ્રમિકોએ નારેબાજી કરી મિલ માલિકો સામે વિરોધ નોંધાવ્યો
સમગ્ર મામલો બગડે તે પહેલા જ પોલીસે મોરચો સંભાળ્યો
મિલ માલિકો-શ્રમિકો વચ્ચેના સંઘર્ષને ટાળવા તંત્રના પ્રયાસ
સુરતમાં આવેલી વિવિધ GIDCમાં એમ્બ્રોઈડરી કારખાનાઓમાં કામ કરતા 10 લાખથી વધુ શ્રમિકોએ પોતાના પડતર પ્રશ્નોને લઈને કલેક્ટર કચેરીને ગજવી મુકી હતી.
સુરતમાં એમ્બ્રોઇડરીના વર્કરોએ ‘તારીખ પર તારીખ નથી જોઈતી, રવિવારની રજા, 8 કલાકની શિફ્ટ અને પૂરો પગાર જોઈએ’ સહિતની માંગણીઓ સાથે કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડ્યો હતો. શ્રમિકોએ કલેકટર કચેરી ખાતે નારેબાજી સાથે મિલ માલિકો સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
શ્રમિકો પોતાના પડતર પ્રશ્નો સહિતના લાભો માટે તંત્રને આવેદન પત્ર પાઠવવા પહોચ્યા હતા. જોકે, બીજો શનિવાર હોવાથી આગામી સોમવારના રોજ રજૂઆત કરવામાં આવશે. શ્રમિકોએ પોતાનું શોષણ થતું હોવાના પણ આક્ષેપ કર્યા હતા. જો આગામી 15 દિવસમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો ભૂખ હડતાલ અને ધરણા પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
સુરતમાં એમ્બ્રોઇડરીના વર્કરોએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને કલેક્ટર કચેરીને ઘેરીને ભારે વિરોધ નોંધાવ્યો હતો. તો બીજી તરફ, આ પરિસ્થિતિના કારણે તંગદિલી સર્જાતા પોલીસને બળપ્રયોગ પણ કરવો પડ્યો હતો. મામલો બગડે તે પહેલા જ પોલીસે તમામને સમજાવી કલેકટર કચેરીથી રવાના કર્યા હતા. આ ગતિરોધને ઉકેલવા માટે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા વિવિધ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના વેપારીઓ તેમજ જિલ્લા લેબર અધિકારી સાથે સતત બેઠકોનો દોર ચલાવવામાં આવી રહ્યો છે, જેથી માલિકો અને શ્રમિકો વચ્ચેના સંઘર્ષને ટાળીને વેતન કાપ્યા વગર સાપ્તાહિક રજાનો કોઈ સ્વીકાર્ય ઉકેલ લાવી શકાય.
