ચિત્રા GIDC-ચામુંડા ઈલેક્ટ્રોપ્લેટીંગ કારખાના તસ્કરો ત્રાટક્યા

રૂ. 1.23 લાખનું 112 કિલો તાંબુ ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા

કોપર અને કાસ્ટિંગ સહિતના મુદ્દામાલ ચોરી કરી તસ્કરો ફરાર

તસ્કરોની તમામ કરતૂત કંપનીમાં લગાવેલા CCTVમાં કેદ થઈ

બોરતળાવ પોલીસ દ્વારા અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાય

ભાવનગરની ચિત્રા GIDC સ્થિત ‘ચામુંડા ઈલેક્ટ્રોપ્લેટીંગ’ નામના કારખાનામાંથી અજાણ્યા તસ્કરો રૂ. 1.23 લાખનું 112 કિલો તાંબુ ચોરી કરી નાસી છૂટ્યા હતા. જોકે, તસ્કરોની તમામ કરતૂત કારખાનામાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

મળતી માહિતી અનુસાર, ભાવનગરના એરપોર્ટ રોડ પર આવેલી બેંક કોલોનીના રહીશ નરેશભાઈ કાનજીભાઈ ડોડીયાના ચિત્રા GIDC સ્થિત ‘ચામુંડા ઈલેક્ટ્રોપ્લેટીંગ’ નામના કારખાનામાં ગત તા. 6 સપ્ટેમ્બર 2026’ના રોજ રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા. કારખાનામાંથી રૂ. 1.23 લાખની મત્તાના કોપરના રીલ, હુક, વાયરના બંડલ અને કાસ્ટિંગની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. જોકે, તસ્કરોની આ તમામ કરતૂત કારખાનામાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

ચોરીની જાણ થતાં જ નરેશભાઈ અને તેમના ભાઈ કારખાને પહોંચ્યા હતા. કારખાનાના માલિકે અગાઉ ત્યાં કામ કરી ચૂકેલા એક કારીગર પર આ ચોરી કરી હોવાની આશંકા પણ વ્યક્ત કરી છે. સમગ્ર બનાવ અંગે કારખાનાના માલિકે બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે અજાણ્યા શખ્સો સામે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.