અંકલેશ્વરમાં કાર્યવાહી
એસ.ઓ.જી.ની કાર્યવાહી
ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો
3 આરોપીઓની ધરપકડ
રૂ.3 લાખનો મુદ્દામાલ જપ્ત
ભરૂચ એસ.ઓ.જી.એ અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ હોટલ પરિવાર સામેથી ઓટોરિક્ષામાં લઈ જવાતા ગાંજાના જથ્થા સાથે ત્રણ ઇસમોને 3.09 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા હતા.
ભરૂચ સ્પેશ્યલ ગ્રુપની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.તે દરમિયાન બાતમી મળી હતી કે સુરતનો અસફાક શેખ નામનો ઈસમ તેના મળતીયાઓ સાથે રિક્ષામાં ગાંજાનો જથ્થો લઈ સુરતથી અંકલેશ્વર તરફ આવનાર છે.જેવી બાતમીના આધારે ભરૂચ એસ.ઓ.જીએ અંકલેશ્વર હાઇવે ઉપર હોટલ પરિવાર પાસે વોચ ગોઠવી હતી. તે વેળા બાતમી વાળી રીક્ષા આવતા પોલીસે તેને અટકાવી ડિક્કિમાં તપાસ કરતા તેમાંથી સેલોટેપ વિટાળેલ બે પેકેટ ગાંજાના મળી આવ્યા હતા.
પોલીસ 94 હજારનો 1.890 કિલો ગ્રામ ગાંજો અને 1.50 લાખની રીક્ષા તેમજ રોકડા 50 હજાર મળી કુલ 3.09 લાખના મુદ્દામાલ સાથે સુરતના રુસ્તમપુરા અકબર શહીદ ટેકરા મહોલ્લા પઠાણવાડ ડી.કે.હોસ્પિટલ પાસે રહેતો અસફાક મુસ્તાક શેખ,મહમંદ નવાબ મહમંદ હાસીમ અન્સારી અને શરીફશા ગનીશા દીવાનને ઝડપી પાડ્યો હતો. જ્યારે ગાંજાના જથ્થા અંગે પૂછપરછ કરતા તે જથ્થો અસફાક શેખ સુરતના અશ્વિનીકુમાર રેલવે પટરી ઉપરથી મહમદ શકીલ મુસ્તાક બંગલાવાલા પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. અને સુરતથી ઝઘડિયાના બાવાગોર દરગાહ ખાતે જતા હોવાની કબૂલાત કરી હતી.
