ગડખોલ-અંદાડા રોડ પર તંત્રની ભયાનક અંધેરનગરી
મૃત્યુના કુવા સમાન સરકારી કામગીરી!
વાહનચાલકોની બલી ચડાવવાની તૈયારી?
રસ્તાના ખાડામાં વાહનચાલકો ખાબકતા રોષ
સદનસીબે આ અકસ્માતોમાં મોટી જાનહાનિ ટળી
અંકલેશ્વરના ગડખોલ-અંદાડા રોડ પર તંત્રની ભયાનક અંધેરનગરી અને બેદરકારીનો પર્દાફાશ થયો છે.મૃત્યુના કુવા સમાન બનેલા રસ્તાના ખાડામાં વાહનચાલકો ખાબકતા રોષ ભભૂકી ઉઠ્યો છે.
અંકલેશ્વરના ગડખોલ-અંદાડા રોડ પર તંત્રની ભયાનક અંધેરનગરી અને બેદરકારીનો પર્દાફાશ થયો છે.વરસાદી પાણીના નિકાલના નામે તંત્ર દ્વારા રસ્તાની બંને બાજુ ઊંડી ગટરો તો ખોદી નાખી, પરંતુ તેને ખુલ્લી છોડીને વાહનચાલકો માટે સાક્ષાત યમરાજનો માર્ગ તૈયાર કરી દીધો છે.
તારીખ 12મી સપ્ટેમ્બરની રાત્રે પડેલા ધોધમાર વરસાદમાં આ ખોદાયેલી ગટરો પાણીથી ઓવરફ્લો થતાં રસ્તો અને ગટર એક થઈ ગયા હતા. રસ્તા પર કોઈ બેરિકેડિંગ કે ચેતવણીના બોર્ડ ન હોવાથી અંધારામાં મોતની ઊંડાઈ ન માપી શકનારા નિર્દોષ વાહનચાલકો સીધા આ પાણી ભરેલી ગટરોમાં ખાબક્યા હતા.
સદનસીબે આ અકસ્માતોમાં મોટી જાનહાનિ ટળી છે, પરંતુ સવાલ એ ઉઠે છે કે શું તંત્ર કોઈનો જીવ જવાની રાહ જોઈ રહ્યું છે? કોઈ સરકારી બાબુ કે કોન્ટ્રાક્ટર પોતાની આળસ ખંખેરવા તૈયાર નથી અને ભોગ સામાન્ય જનતા બની રહી છે. વિકાસના નામે વિનાશ નોતરતી આ લાપરવાહી સામે સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે. જો તાત્કાલિક ધોરણે આ જોખમી ગટરો ફરતે બેરિકેડિંગ કરી યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં નહીં આવે, તો આ રસ્તો ગમે ત્યારે મોટા અકસ્માતનો ગઢ બનશે તે નક્કી છે.
