ભરૂચ એલ.સી.બી.ની ટીમે NH 48 પર પાલેજ પાસે બંધ પેટ્રોલ પંપ પર દરોડો પાડીને બીયરનો ₹7 લાખનો વિપુલ જથ્થો ઝડપી પાડ્યો છે. ટ્રકમાંથી 4920 બીયર ટીન, ટ્રક અને આઇફોન સહિત કુલ ₹19.28 લાખનો મુદ્દામાલ સાથે હિમાચલના ડ્રાઇવરની ધરપકડ કરાઈ છે.
ભરૂચ LCB નો સ્ટાફ ગણેશ ચતુર્થીના તહેવાર નિમિત્તે ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતો. બાતમી મળી હતી કે, નેશનલ હાઇવે 48 પર પાલેજ થી ભરૂચ તરફ જવાના રસ્તે બ્રિજ પૂરો થતાં જ ડાબી બાજુ બંધ ભારત પેટ્રોલીયમ પંપની અવાવરૂ જગ્યામાં એક શંકાસ્પદ ટ્રક પાર્ક કરેલી છે.બાતમી આધારે દરોડો પાડતા હિમાચલ પાર્સિંગની ટ્રકમાં તપાસ કરતાં હિમાચલ પ્રદેશના કુલ્લુનો હેમચંદ શ્યામલાલ તોતુરામ કૌશલ હાજર મળી આવ્યો હતો.
ટ્રકના પાછળના ભાગે ચેક કરતાં પુઠ્ઠાના બોક્સમાં ભરેલ બડવાઇઝર મેગ્નમ બીયર ટીનનો જથ્થો મળી આવ્યો હતો. ટ્રકમાંથી બીયરના કુલ 4920 ટીન કબજે કરાયા હતા.ઝડપાયેલા આરોપી ડ્રાઇવરની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સિમલાથી સફરજન ભરી મુંબઇ ખાલી કર્યા બાદ પરત જતાં વાપી-ભીલાડ ખાતે એક અજાણ્યા ઇસમે તેને સંપર્ક કરી ₹80 હજાર ભાડું નક્કી કરીને દમણ પાસે આવેલી ફેક્ટરીમાંથી પીકઅપ ગાડી મારફતે બીયરના બોક્સ ટ્રકમાં ભરાવ્યા હતા.
આરોપીને એડવાન્સ ₹10 હજાર આપીને પાલેજ ખાતે પેટ્રોલ પંપ પર રોકાવા જણાવવામાં આવ્યું હતું, જ્યાંથી આગળ માલ મોકલવાનો હતો.પાલેજ પોલીસ મથકે આરોપી હેમચંદ કૌશલ, બીયર ભરાવનાર અજાણ્યો શખ્સ, પીકઅપ ગાડીનો ડ્રાઇવર અને સ્કૂટર પર પાયલોટીંગ કરનાર ઇસમ સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
