પ્રખ્યાત સોમનાથ મંદિર, ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય કોબા, અમદાવાદ શહેરના ખાનપુર અને ભાજપ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળતા સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે. એક અજાણ્યા શખ્સ દ્વારા મોકલવામાં આવેલા ઇમેઇલના માધ્યમથી આ દહેશત ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, ત્યારબાદ પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવી ગયું છે.
આ ધમકીભર્યા ઇમેઇલમાં સોમનાથ મંદિર, ભાજપ સેન્ટ્રલ ઓફિસ, ભાજપની ખાનપુર ઓફિસ સહિતના સ્થળોને નિશાન બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જુદા જુદા લોકેશન પર અગાઉથી જ બોમ્બ ફિટ કરી દીધા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ઇમેઇલમાં દેશ વિરોધી સૂત્રો અને વિવિધ આતંકી કનેક્શન દર્શાવતા નારા પણ લખવામાં આવ્યા હતા, જેના કારણે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે.
