અબડાસાના કોઠારામાં ચાલતો ગેરકાયદે વ્યાજખોરીનો ધંધો
લોકોને ઊંચા વ્યાજે પૈસા આપી ધમકી સહિત દબાણ કરાતું
વ્યાજખોરીના મામલામાં પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા કાર્યવાહી
2 શખ્સોની ધરપકડ, રૂ. 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો
આરોપીઓ વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના કોઠારા વિસ્તારમાં ગેરકાયદે વ્યાજખોરીના મામલામાં પશ્ચિમ કચ્છ પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી રૂ. 2.25 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના કોઠારા વિસ્તારમાં ગેરકાયદે વ્યાજખોરીના મામલામાં પશ્ચિમ કચ્છ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વ્યાજખોરીમાં ફસાયેલા એક યુવકે કોઠારા પોલીસનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે, તેને 10 ટકા વ્યાજે પૈસા આપ્યા પછી તેની પાસેથી સહી કરેલા કોરા ચેક, ચેકબુક, સ્ટેમ્પ પેપર, વાહન અને જમીનના સાટા કરાર કરાવાયા હતા.
વધુ સમય આપવાના બહાને તેની કિંમતી જમીનના દસ્તાવેજો પણ પડાવી લેવાયા હતા, તેમ ફરિયાદમાં જણાવાયું છે, ત્યારે લોકોને ઊંચા વ્યાજે પૈસા આપી ધાકધમકી અને દબાણ કરી રોકડ, સોના-ચાંદીના દાગીના, જમીનના દસ્તાવેજો અને ચેકબુક જેવી મિલકતો પડાવી લેવાના ગુન્હામાં પોલીસે આમદ હાજી મામદ મંધરા અને ઓસમાણ હાજી મામદ મંધરાની ધરપકડ કરી રૂ. 2.25 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, બન્ને પાસે પૈસા ધીરધારનું માન્ય લાયસન્સ ન હોવા છતાં ઊંચા વ્યાજે પૈસા આપવા અને તેની વસૂલાત માટે મિલકત તથા કિંમતી ચીજો પડાવી લેવાના આક્ષેપોની તપાસ ચાલી રહી છે.
