વડગામ-પાનવા ગામ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત

રોડ પર ઉભેલા ટ્રક પાછળ ઇકો ગાડી ઘૂસી જતાં અકસ્માત

અકસ્માતની ભયંકર દુર્ઘટનામાં 2 લોકોના ઘટનાસ્થળે મોત

ભાગવા જતાં ટ્રક ક્લીનરનું ખેતરમાં ઝટકા મશીનથી મોત

4થી વધુ લોકોને ઈજા પહોચી, પોલીસે વધુ તપાસ હાથ ધરી

સુરેન્દ્રનગર જિલ્લાના વડગામ-પાનવા ગામ નજીક ટ્રક અને ઇકો કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યાં હતા. ઘટના બાદ ડરીને ભાગવા જતા ટ્રકના ક્લિનરને ખેતરમાં ઝટકા મશનીનો કરંટ લાગતા તેનુંનું પણ મોત નીપજ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લાના વડગામ અને પાનવા ગામ વચ્ચે અકસ્માતની એક ભયંકર ઘટના સામે આવી છે. રોડ પર ઉભેલા ટરબો ટ્રક પાછળ ઇકો ગાડી ઘૂસી જતાં તેમાં સવાર 2 લોકોના મોત થયાં હતા. આ ઘટના બાદ ડરીને ભાગવા જતા ઘટના સ્થળેથી 400 મીટર દૂર ખેતરમાં ઝટકા મશનીનો કરંટ લાગતા ટ્રકના ક્લિનરનું પણ મોત નીપજ્યું હતું.

આમ આજની સવાર 3 લોકો માટે આખરી સાબીત થઈ છે. તો બીજી તરફ, ટ્રકનો ડ્રાઈવર પણ ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. સમગ્ર મામલે દસાડા પોલીસે ઘટના સ્થળે પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે જણાવ્યું હતું કે, ઇકો ગાડીમાં સવાર લોકો વિરમગામથી શંખેશ્વર જઈ રહ્યાં હતા. તે દરમિયાન તેઓને અકસ્માત નડ્યો હતો. ઇકો ગાડીમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે, જ્યારે બીજા વ્યક્તિને સારવારમાં લઇ જતાં સમયે રસ્તામાં મોત નીપજ્યું હતું. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં 4 લોકોને ઈજા પહોંચી હતી. જેઓને સારવાર અર્થે અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.