જર્જરિત ઇમારતો સામે નોટિસો છતાં લોકોનો જોખમી વસવાટ

અશ્વિનીકુમાર રોડ પર એપાર્ટમેન્ટના ફ્લેટનો સ્લેબ ધરાશાયી

બનાવના પગલે ફાયર બ્રિગેડએ તાબડતોબ રેસક્યું હાથ ધર્યું

દુર્ઘટનામાં કાટમાળ નીચે દબાઈ જતાં આશાસ્પદ યુવકનું મોત

નોટિસ બાદ પણ 8 પરિવારોએ જર્જરિત મકાન ખાલી ન કર્યું

સુરત શહેરના અશ્વિનીકુમાર વિસ્તારમાં આવેલા 30 વર્ષ જૂના જર્જરિત સરસ્વતી એપાર્ટમેન્ટના ચોથા માળે અચાનક સ્લેબ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં કાટમાળ નીચે દબાઈ જતાં એક યુવકનું મોત નીપજ્યું હતું.

સુરત શહેરમાં જર્જરિત ઇમારતો સામે તંત્રની નોટિસો છતાં લોકો જોખમી વસવાટ કરી રહ્યા હોવાની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. મૂળ ઉતરપ્રદેશનો વતની અને હાલમાં સુરતના અશ્વનિકુમાર રોડ પર સરસ્વતી એપાર્ટમેન્ટમાં ચોથા માળે આવેલા ફલેટમાં રહેતો 19 વર્ષીય આલોક શિવરતનભાઈ કોરી મકાનમાં હાજર હતો. તે વખતે એકાએક સ્લેબનો ભાગ જોરદાર ધડાકા સાથે ધરાશાયી થયો હતો, અને કાટમાળ નીચે તે દબાઈ ગયો હતો. દુર્ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક 3 ફાયર સ્ટેશનના જવાનો કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

ફાયર વિભાગે ભારે જહેમત બાદ સ્લેબનો કાટમાળ હટાવી ગંભીર હાલતમાં આલોકને બહાર કાઢ્યો હતો અને 108 એમ્બ્યુલન્સ મારફતે તાબડતોબ નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચતા જ તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કરતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. દુર્ઘટના સમયે તેના માતા-પિતા અને બહેન ફ્લેટના બીજા રૂમમાં હોવાથી તેઓનો ચમત્કારિક બચાવ થયો હતો, પરંતુ નજર સામે જ એકનો એક દીકરો કાટમાળ નીચે દબાતાં પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો.

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી તંત્ર દ્વારા બાકી રહેતા પરિવારો પાસેથી તાત્કાલિક ફ્લેટ ખાલી કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવી વધુ કોઈ મોટી હોનારત ન સર્જાય. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.