ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનવા જઈ રહ્યું છે અમદાવાદ

પંચતારક આતિથ્યથી લઈને વર્લ્ડ-ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સજ્જતા

2030 કોમનવેલ્થ અને 2036 ઓલિમ્પિક્સની મજબૂત દાવેદારી

અમદાવાદ વૈશ્વિક રમતો સાથે બનશે ગ્લોબલ સ્પોર્ટ્સ કેપિટલ

વિશ્વ રમતગમતના નકશા પર અમદાવાદ ચમકશે

વર્લ્ડ સ્પોર્ટ્સ મેપ પર પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરવા માટે  અમદાવાદ કમર કસી ચૂક્યું છે. વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સ અને 2036ના ઓલિમ્પિક્સની મજબૂત દાવેદારી સાથે શહેર અભૂતપૂર્વ પરિવર્તન તરફ ડગ માંડી રહ્યું છે.

અમદાવાદ શહેરમાં સાબરમતીના તટે આકાર લેતી સ્કાયલાઇન હવે વૈશ્વિક સપનાઓની સાક્ષી બની રહી છે.કોમનવેલ્થ અને ઓલિમ્પિક્સના સંભવિત આયોજનને ધ્યાને રાખી શહેરમાં પ્રીમિયમ હોસ્પિટાલિટી ક્ષેત્રે અભૂતપૂર્વ ગતિ જોવા મળી રહી છે.AMC દ્વારા વર્ષ 2025માં 9 અને 2026માં 4 નવી ફાઇવ-સ્ટાર હોટેલ્સને મંજૂરી અપાઈ ચૂકી છે.પશ્ચિમ વિસ્તારનો સિંધુભવન રોડ આ વિકાસનું કેન્દ્રબિંદુ બન્યો છે, જ્યાં 3 લક્ઝરી હોટેલ્સનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે અને અન્ય 2 પ્રોજેક્ટ્સ મંજૂરીના આખરી તબક્કામાં છે.

આ ઉપરાંત, રિવરફ્રન્ટ પર વિશાળ કન્વેન્શન સેન્ટર તેમજ એરપોર્ટ નજીક પણ અનેક પ્રીમિયમ પ્રોજેક્ટ્સ આકાર લઈ રહ્યા છે. સાબરમતીના પશ્ચિમ કાંઠે આકાર લેનારી 16 માળની ભવ્ય ફાઇવ-સ્ટાર હોટલ શહેરના આકર્ષણમાં નવું છોગું ઉમેરશે. નવા ફ્લાયઓવર્સ, પહોળા માર્ગો અને સુદૃઢ પબ્લિક ટ્રાન્સપોર્ટથી સજ્જ થતું આ નવ્ય અમદાવાદ વૈશ્વિક મંચ પર દેશનું ગૌરવ વધારવા સજ્જ થઈ રહ્યું છે.