નકલી ચલણી નોટોના વેચાણના કૌભાંડનો થયો પર્દાફાશ
સોશિયલ મીડિયાના માધ્યમથી અપાતી લોભામળી લાલચ
આસામથી નકલી નોટ લઈને આવેલા શખ્સની ધરપકડ
રૂ. 500ના દરની 165 બનાવટી ચલણી નોટો મળી આવી
પોલીસ દ્વારા રૂ.1.30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો
સુરતની ગોડાદરા પોલીસે આસામથી નકલી ચલણી નોટ લઈને આવેલા શખ્સની સહિત રૂ. 1.30 લાખથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી નકલી ચલણી નોટોના વેચાણ કરવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર “નકલી નોટ લેને કે લિયે સંપર્ક કરે” નામની જાહેરાત જોઈને સુરતના પુણાગામ વિસ્તારમાં રહેતો રમેશ ઉર્ફે જીગા લૌહાર નામનો યુવક આસામ પહોંચ્યો હતો.
આરોપીએ 1 અસલી નોટ સામે 3 નકલી નોટ મેળવવાની લાલચમાં આવીને રૂ. 30 હજારની અસલી ચલણી નોટો આપીને રૂ. 1 લાખની ફેસ વેલ્યુ ધરાવતી રૂ. 500ના દરની 200 નકલી નોટો ખરીદી હતી. જોકે, આસામથી નકલી નોટોનો જથ્થો લઈને સુરત પહોંચેલો આરોપી આ નોટો બજારમાં વટાવે તે પહેલાં જ ગોડાદરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી દેવધ ચાર રસ્તા પાસેથી રમેશ ઉર્ફે જીગા લૌહારને દબોચી લીધો હતો.
પોલીસ તપાસ દરમિયાન આરોપી પાસેથી રૂ. 500ના દરની 165 બનાવટી ચલણી નોટો મળી આવી હતી, જેની કુલ કિંમત રૂ. 82,500 થાય છે. ગોડાદરા પોલીસે આરોપી પાસેથી નકલી નોટો ઉપરાંત મોબાઈલ ફોન તથા ઓળખકાર્ડ સહિત રૂ.1.30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીએ બાકીની નોટો ક્યાંય વટાવી છે કે, કેમ તથા આસામ સ્થિત નકલી નોટ સપ્લાય કરનાર ગિરોહના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
