આણંદની મહિલા ઉદ્યોગસાહસિક કોમલ કલંત્રીની અનોખી સિદ્ધિ
મૂંગા જીવોનું કષ્ટ દૂર કરી પશુપાલકોને રાહત આપતો પ્રયોગ
પશુઓના માટે દર્દરહિત અનોખી પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ વિકસાવી
ગાય, ભેંસ, ઘેટાં અને બકરાંમાં ગર્ભાવસ્થાની વહેલી પરખ કરાશે
ટેક્નોલોજી વિકસાવીને પશુપાલન ક્ષેત્રે મોટો બદલાવ આણ્યો
આણંદની મહિલા ઉદ્યોગસાહસિકએ મૂંગા જીવોનું કષ્ટ દૂર કરી પશુપાલકોને મોટી રાહત આપનાર નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં પશુઓમાં માત્ર 10 મિનિટમાં સચોટ પરિણામ આપતી દર્દરહિત અનોખી પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ વિકસાવી છે.
પશુઓમાં ગર્ભાવસ્થાની અનિશ્ચિતતા ઘણીવાર પશુપાલકોને આર્થિક નુકસાન અને ઊંડી ચિંતામાં મુકી દેતી હોય છે. આ વર્ષો જૂની સમસ્યાનો વિજ્ઞાન દ્વારા અનોખો ઉકેલ શોધ્યો છે. આણંદની મહિલા ઉદ્યોગસાહસિક કોમલ કલંત્રીએ… તેમના સ્ટાર્ટઅપે માત્ર 10 મિનિટમાં સચોટ પરિણામ આપતી દર્દરહિત પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ વિકસાવી છે. મૂંગા જીવોનું કષ્ટ દૂર કરી પશુપાલકોને મોટી રાહત આપનારા આ નવતર પ્રયોગને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે રાષ્ટ્રીય સ્તરે સન્માનિત પણ કરવામાં આવ્યો છે.
‘બિગ નેનો વેન્ચર્સ’ સ્ટાર્ટઅપે ગાય, ભેંસ, ઘેટાં અને બકરાંમાં ગર્ભાવસ્થાની વહેલી પરખ માટે અદ્યતન ટેક્નોલોજી વિકસાવીને પશુપાલન ક્ષેત્રે મોટો બદલાવ આણ્યો છે.
જોકે, આ કિટ દ્વારા ગર્ભધારણના 28થી 25 દિવસમાં જ, ગણતરીની મિનિટોમાં પરિણામ મળી જાય છે. સંપૂર્ણપણે દર્દરહિત હોવાથી આ પ્રક્રિયા પશુ અને ગર્ભસ્થ શિશુ બંને માટે એકદમ સુરક્ષિત છે. અત્યાર સુધીમાં 27 હજારથી વધુ પશુઓ પર તેનું સફળ પરીક્ષણ થઈ ચૂક્યું છે. જેમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના ‘AIC આણંદ ફાઉન્ડેશન’નું ટેક્નિકલ માર્ગદર્શન અને નાણાકીય સહયોગ પાયારૂપ બન્યા છે.
આણંદ કૃષિ યુનિવર્સિટીના ઇન્ક્યુબેશન સેન્ટરમાં 52 ટકા મહિલા સાહસિકોની સક્રિય ભાગીદારી નારીશક્તિના સામર્થ્યનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ અદ્યતન સંશોધન પશુઓનું સ્વાસ્થ્ય સુધારવાની સાથે ગુજરાત સહિત સમગ્ર દેશના ડેરી ઉદ્યોગને નવી ઊંચાઈએ લઈ જશે.
